અમદાવાદઃ ભગવાન ભોલેનાથને રીઝવવા ભક્તો દરરોજ સવારે તેમને દૂધ અને જળનો અભિષેક કરતા હોય છે. મંદિરે જઈને ગર્ભગૃહમાં પૂરી શ્રદ્ધાથી તેમણે પુષ્પ અર્પણ કરતા હોય છે અને સાથે બિલીપત્ર પણ ધરાવતા હોય છે. પરંતુ હાલના સમયે કોરોનાવાઈરસને કારણે પરિસ્થિતિઓ કઇ અલગ જ છે. અમદાવાદના નિર્ણયનગરમાં આવેલ રામેશ્વર મંદિર તેમજ અન્ય કેટલાક મંદિરો ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે.
જે મંદિર ખુલ્લા છે, તેમાં સરકારની ગાઇડલાઇન મુજબ કેટલાક નિયમો સાથે ભોલેનાથના દર્શન કરી શકાશે. સૌપ્રથમ તો મંદિરમાં મર્યાદિત સંખ્યામાં ભક્તોને જવા દેવામાં આવશે, ટેમ્પરેચર ગનથી તેમનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે, સેનેટાઈઝર વડે હાથ સાફ કરવાના રહેશે. ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભગવાન ભોલેનાથના દર્શન કરવાના રહેશે. ગર્ભગૃહમાં કોઈ પણ ભક્તને પ્રવેશ મળશે નહીં. દૂધ અને બીલીપત્ર ચડાવવા માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને મંદિરના પુજારી એકત્રિત કરીને શિવલિંગ પર અભિષેક કરવામાં આવશે.
આ ઉપરાંત ભક્તો ઘરે રહીને પણ ભગવાન ભોલેનાથનો જાપ કરીને તેમની કૃપા મેળવી શકે છે. તેઓ રૂદ્રાષ્ટકમ પણ કરી શકે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકે છે. ભગવાન ભોલેનાથ જે સંજીવની વિદ્યાના ગુરુ ગણાય છે. તો તેઓ સમગ્ર જગતમાંથી કોરોનાવાઈરસને દૂર કરે તેવી પ્રાર્થના પણ ભક્તો અને પૂજારીઓ દ્વારા પણ કરાશે.