- ગુજરાત કોંગ્રેસના નેતાઓ થયા ગાયક
- અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ
- કાર્યાલય બહાર ભાજપ કાર્યકરોના પ્રદર્શન બાદ CRPFનો બંદોબસ્ત
અમદાવાદઃ મહાનગરપાલિકાના પરિણામ જાહેર થતા ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગાયબ થઇ ગયા છે. સવારથી લઈને સાંજ સુધીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે એક પણ સિનિયર નેતાઓ દેખાયા નથી સાથે સાથે કોંગ્રેસના કાર્યકરો પણ કાર્યાલય ખાતે દેખાયા નથી.
મહાનગર પાલિકાઓમાં થયેલા મતદાનના પરિણામ જાહેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મહાનગર પાલિકાઓમાં થયેલા મતદાનના પરિણામ જાહેર કરવા આવ્યા છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મોટા મોટા વાયદા કર્યા હતા અને જંગી બહુમતી સાથે વિજય થવાનું પણ એલાન કર્યું હતું પરંતુ આજે જ્યારે પરિણામો જાહેર થયા છે, ત્યારે કોંગ્રેસ ખાતું પણ માંડ માંડ ખોલી શકી હતી. કોંગ્રેસની માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ સીટ પર જીત મેળવી હતી. મનપાના પરિણામોને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓને ખૂબ જ માઠું લાગી આવ્યું છે અને તમામ સિનિયર નેતાઓ સવારથી જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અમદાવાદમાં પાલડી ખાતે આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં એક પણ નેતા હાજર નથી અને સવારથી લઈને અત્યાર સુધીમાં કોઈપણ કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા પણ આપી નથી.
કોંગ્રેસના મુખ્ય કાર્યાલય બહાર ભાજપના કાર્યકરોની ઉજવણી
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ફરી વખત જંગ જીત્યો છે. જેને લઇને ભાજપના કાર્યકરોમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ છે, ત્યારે ઉત્સાહમાં આવેલા કેટલાક કાર્યકરોએ કોંગ્રેસના મુખ્ય કાર્યાલયની બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. જો કે, ફરી વખત કોંગ્રેસના કાર્યાલયની બહાર ભાજપના કાર્યકરો ઉજવણી ન કરે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા CRPFની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.
કોંગ્રેસના નેતાઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના નેતાઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે અને કોઈપણ જાતનું નિવેદન આપવાનું પણ ટાળી રહ્યા છે. સાથે સાથે કોંગ્રેસના કાર્યકરોમાં પણ નિરાશા જોવા મળી રહી છે.