અમદાવાદઃ સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓએ પણ ઠગાઈ કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓએ હવે સિમ કાર્ડ અપગ્રેડ કરવાનું કહીને છેતરપિંડી કરવાની એક નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે.
આ પ્રકારની ઠગાઈના ચાર ગુના પોલીસના ચોપડે નોંધાયા છે. સીમકાર્ડ એક્સચેન્જ ફ્રોડ કરવાના કિસ્સામાં ગઠિયાઓએ સીમકાર્ડની જે તે કંપનીમાંથી વાત કરી રહ્યા હોવાનું કહીને કોઈ પણ વ્યક્તિને ફોન કરે છે અને તેમનુ સીમ કાર્ડ 2જીમાંથી 4જીમાં અપગ્રેડ કરવાનું કહે છે. જો કાર્ડ અપગ્રેડ નહિ કરે તો તેમનું સીમ બંધ થઈ જશે તેમ કહીને આ ગઠિયાઓ તેમના મોબાઈલ નંબર પરથી તેમની પાસે રહેલ બ્લેન્ક સીમ કાર્ડનો સીમ નંબર મેસેજ મારફતે ફરિયાદીને મોકલી આપે છે અને આ નંબર ફરિયાદીના મોબાઈલ નંબર મારફતે કંપનીમાં ફોરવર્ડ કરાવી આપવાની પ્રક્રિયા કરાવે છે.
આ પ્રક્રિયા કરાવ્યા બાદ ફરિયાદીનું સીમ કાર્ડ હાલ બંધ થઈ જશે અને 24 કલાકમાં અપગ્રેડ થઈ જશે તેમ કહીને ફોન મૂકી દે છે. ત્યાર બાદ ફ્રોડ કરનાર ગઠિયો ફરિયાદીનો નંબર તેના મોબાઈલમાં કાર્યરત કરે છે અને આ નંબર જે તે બેંકમાં રજીસ્ટર થયો હોય તે એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયાની ઉઠાંતરી કરે છે.