- ગુજરાતના પૂર્વ ગૃહ અને શિક્ષણ પ્રધાનનું 77 વર્ષની વયે નિધન
- પ્રબોધકાંત પંડ્યાના પાર્થિવ દેહને તેમના વતન લઈ જવાયો
- ચીમનભાઈ પટેલની સરકારમાં પ્રધાનમંડળમાં પ્રબોધકાંત પંડ્યાનો હતો સમાવેશ
અમદાવાદ: ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ અને શિક્ષણ વિભાગના રાજ્યપ્રધાન પ્રબોધકાંત પંડ્યાનું 77 વર્ષની વયે રવિવારે વહેલી સવારે અમદાવાદ ખાતે નિધન થયું છે. તેઓ વર્ષોથી સંતરામપુર મત વિસ્તારમાંથી ચૂંટાઇ આવતા હતા. ચીમનભાઈ પટેલના પ્રધાનમંડળમાં તેઓ શિક્ષણ અને ગૃહ રાજ્યપ્રધાન પણ રહી ચૂક્યા હતા.
આ પણ વાંચો- Kalyan Singh: ભાજપની "કેસરી બ્રિગેડના અગ્રધ્વજ" દિગ્ગજ નેતાનું નિધન
પ્રબોધકાંત પંડ્યા આદિવાસીના વિકાસ માટે હર હંમેશ પ્રયત્નશીલ રહેતા હતા
પ્રબોધકાંત પંડ્યા સંતરામપુર તાલુકામાં આદિવાસીના વિકાસ માટે હર હંમેશ પ્રયત્નશીલ રહેતા હતા. હાલના મહીસાગર જિલ્લાના કડાણા નજીકના મહીસાગર કિનારે આવેલા નદીનાથ મહાદેવના વિકાસમાં તેઓનો મોટો ફાળો રહેલો છે. જેને ધ્યાનમાં રાખી તેમના અંતિમસંસ્કાર માટે આજે તેમને કડાણા તાલુકાના જાગુના મુવાડા લઈ જવામાં આવ્યા છે અને મહીસાગર નદીના પવિત્ર કિનારે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.
પ્રબોધકાંત પંડ્યા કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીમાં પણ જોડાયા હતા
પ્રબોધકાંત પંડ્યા 1985, 1990 અને વર્ષ 2002ની ચૂંટણીમાં સંતરામપુર સીટ પરથી જીત્યા હતા. વર્ષ 2007માં તેમને ભાજપમાંથી ટિકીટ ન મળતા પક્ષ છોડી દીધો હતો. ભાજપ છોડી દીધા બાદ પણ તેમને સ્થાનિક સ્તરે તેમનું રાજકીય રીતે વર્ચસ્વ વધાર્યું હતું. ત્યારબાદ કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાયા હતા. કેશુભાઈ સાથે પણ તેઓને ઘણાવર્ષોથી સમાજલક્ષી કામો કર્યા હતા.