- અમદાવાદની સેવાકીય સંસ્થા રોટી બેન્કે જરૂરિયાતમંદોને પહોંચાડ્યું ભોજન
- જરૂરિયાતમંદોને તલ, મમરા, રાજગરો, સિંગના લાડું, બોર, જામફળના પેકેટનું વિતરણ
- જરૂરિયાતમંદોને દરેક તહેવાર નિમિત્તે અલગ અલગ વાનગી પહોંચાડવામાં આવે છે
અમદાવાદઃ મકર સંક્રાતિએ દાન પૂણ્યનું પણ ખૂબ જ મહત્ત્વ છે. અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં દર સપ્તાહમાં એકવાર સેવાકીય પ્રવૃત્તિ કરતાં એક સંગઠન દ્વારા જરૂરિયાતમંદોમાં મકર સંક્રાતિ નિમિત્તે પણ જુદી જુદી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દરેક તહેવારે જરૂરિયાતમંદોને પહોંચાડાય છે ભોજન
કોઈ પણ ધર્મમાં તહેવાર કે ઉત્સવ આવે એટલે દાન પૂણ્ય માટે લોકો આગળ આવતા હોય છે. મુગા પ્રાણી તેમજ જરૂરિયાતમંદ લોકોમાં રાંધેલું ભોજન, અનાજ, કપડા તેમ જ દવાઓ જેવી ચીજ વસ્તુઓનું વિતરણ થતું હોય છે. કેટલાક લોકો નિયમિત સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. શહેરમાં રોટી બેન્ક દ્વારા સપ્તાહમાં એક વાર જરૂરિયાતમંદ લોકોને ભોજન, અનાજ કપડા જેવી ચીજ વસ્તુઓનું વિતરણ તો કરવામાં આવે જ છે. એ ઉપરાંત તહેવારો, ઉત્સવોમાં પણ રોટી બેંક દ્વારા ઋતુ, સમય, સંજોગો અને પરંપરા પ્રમાણે વસ્તુઓ વહેંચવામાં આવે છે.
જાન્યુઆરી માસની કડકડતી ઠંડી અને ઉતરાયણ પર્વ નિમિત્તે રોટી બેન્કના 18 કરતાં પણ વધારે સ્વયંસેવકોએ ભેગા મળી ગરીબોને ચીજ વસ્તુઓ પહોંચાડી હતી. જેમાં તલની ચિક્કી, સિંગ ચિક્કી, મમરાના લાડુ, રાજગરાના લાડુ, જામફળ, બોર જેવી ચીજવસ્તુઓના પેકેટ બનાવી રાણીપ, અર્જુન આશ્ચમ, ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં વહેંચ્યા હતા.
રોટી બેન્કના સંસ્થાપક પૂજા પ્રજાપતિએ કહ્યું હતું કે, સપ્તાહના છ દિવસ આપણા પોતાના જીવન માટે જ્યારે સાતમો દિવસ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવાનો સંકલ્પ કર્યો છે. છેલ્લા બે વર્ષથી રોટી બેન્ક ચલાવું છું. દર સપ્તાહે અનેક લોકો સહાયમાં જોડાય છે. આથી મોટી સંખ્યામાં લોકોને મદદ કરી શકાય છે. એકલું સપ્તાહમાં એક વાર નહીં, પરંતુ તહેવાર અને ઉત્સવોમાં પણ લોકોને પૌષ્ટિક ભોજન પૂરુ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉતરાયણ પહેલાં વસ્તુઓ વહેંચવાથી એ લોકો પણ ઉત્સવને ઉત્સાહથી માણે. હાલ દેશ વિદેશથી અસંખ્ય લોકો સેવાની આ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈ રહ્યા છે.