- દર્દીના પરિવારજનો માટે કરવામાં આવી વ્યવસ્થા
- સિવિલ ખાતેના ડોમમાં ગરમીની સિઝનમાં એરકુલર રાખવામાં આવ્યા
- દર્દીના ખબર-અંતર પુછવા માટે વીડિયો કોલિંગની પણ વ્યવસ્થા કરાઇ
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા મોટા ભાગની હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. ત્યારે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીના પરિવારના લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારના લોકો માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડ ગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ કમર કસી છે. કોવિડના દર્દીઓની સંખ્યામાં વધારો થતા જિલ્લા વહીવટી તંત્ર સોલા સિવિલ હોસ્પિટલમાં દિન-પ્રતિદિન નવી વ્યવસ્થાઓ વિકસાવી રહ્યું છે.
આ પણ વાંચો: વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સેન્ટ્રરલાઈઝ ઓક્સિજન સેવાનું આયોજન કરાયું
એરકુલરની વિશેષ વ્યવસ્થા
સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનો માટે ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ડોમમાં દર્દીઓના સ્વજનોને ઉનાળામાં ગરમીથી રાહત રહે તે માટે એરકુલરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે-સાથે હેલ્પડેસ્કની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેના પરથી દર્દીઓના સ્વજનોને જરુરી રિપોર્ટ પણ મળી રહે છે. દર્દીના પરિવારજનો દર્દીના ખબર-અંતર પૂછી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્દીના સ્વજનો સવારે 9 થી 12 અને બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન દર્દી સાથે વાત કરી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 900 બેડની કોવિડ હોસ્પિટલને આપાઈ રહ્યો છે આખરી ઓપ
ગ્રાઉન્ડ ફ્લોર પર હેલ્પડેસ્કની સુવિધા
સોલા સિવિલ હોસ્પિટલના RMO ડો. પ્રદિપ પટેલે જાણકારી આપતા કહ્યું કે, દર્દીઓમાંથી અન્ય લોકોમાં કોરોના ઈન્ફેક્શન ન ફેલાય તે માટે અમે ગ્રાઉન્ડ ફ્લોર પર ડોમની સુવિધા ઉભી કરી છે. જેને અમે હેલ્પડેસ્ક નામ આપ્યું છે. જેના પરથી વીડિયો કોલિંગની ફેસિલિટીથી અમે દર્દી અને તેમના સ્વજનો વચ્ચે વાતચીત કરાવીએ છીએ. જેથી દર્દીના સ્વજનોને પણ માનસિક રીતે રાહત રહે છે.