- અમદાવાદના પશ્ચિમ વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓનો આવકારાયા
- ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યની કરાઈ શરૂઆત
- સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન કર્યા બાદ વિદ્યાર્થીઓ આવ્યા શાળાએ
- કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે વર્ગખંડમાં પણ કરાઈ અલાયદી વ્યવસ્થા
અમદાવાદઃ કોરોના કાળમાં મહિનાઓ સુધી શાળાઓ બંધ રહી આખરે સોમવારથી શિક્ષણ વિભાગના નિર્ણય બાદ શાળાઓ ધમધમતી થઈ છે. સોમવારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સરકારની ગાઈડલાઈન મુજબ શાળાઓનો શુભારંભ થઈ ચૂક્યો છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી શાળાના સંચાલક કેતન દિક્ષીતે જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય આવકાર્ય છે. વિદ્યાર્થીઓને મહિનાઓ બાદ શાળામાં જોઈ કેમ્પસ જીવંત થઈ ગયું છે. વિદ્યાર્થીઓ પણ શિક્ષકો, મિત્રોને શાળા ના વાતાવરણ સાથે ખુશ જણાયા હતા.
કોરોના વાઈરસ સંક્રમણનો સોથી મોટો ડર નાના બાળકો, બીમાર અને વૃદ્ધ લોકોમાં રહેલો છે. આથી સરકારની ગાઈડલાઇન મુજબ અનેક સંસ્થાઓને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી નહતી, જેમાં બાળકો કોરોનાના કારણે સંક્રમિત ન થાય એ માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જેવા તમામ વિભાગો બંધ રાખવામાં આવ્યા હતા.
સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
શિક્ષણ વિભાગના નિર્ણય બાદ સોમવારે વહેલી સવારથી જ ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શાળાઓમાં ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. શાળાઓમાં આવેલા વિદ્યાર્થીઓને કતારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઊભા રાખી સેનિટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ગ ખંડમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે અંતર જાળવવામાં આવ્યું હતું.
શિક્ષકોએ પરીક્ષાલક્ષી તૈયારી શરૂ કરાવી
સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ આવતાની સાથે જ શિક્ષકો અને સંચાલકગણ પણ ઉત્સાહમાં આવી ગયા હતા. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક હોવાથી પહેલા દિવસથી જ શિક્ષકોએ ટૂંકામાં કેવી રીતે વિષયોને તૈયાર કરવા એ બાબત પર વધારે ભાર મુક્યો હતો.
સંક્રમણ ન ફેલાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ
વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે પ્રકારની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક જ વાલીઓએ પોતાના બાળકોને શાળાએ ભણવા મોકલવા માટે સંમતિ દર્શાવી છે. જ્યારે બીજા વાલીઓની સંમતિ આવ્યા બાદ અન્ય બાળકો શાળાએ ભણવા આવવાના છે. આ ઉપરાંત શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને આવકાર્યા બાદ તેમને કોરોના અને તેની ગાઈડલાઈન અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
દસ મહિના બાદ બાળકો શાળાએ આવતા બાળકો બન્યા ભાવુક
આટલા મહિના પછી વિદ્યાર્થીઓ શાળાએ આવતા વિદ્યાર્થીઓ ભાવુક બન્યા હતા. તો બીજી તરફ વાલીઓ બાળકોનું શૈક્ષણિક કાર્ય શરૂ થવાથી ખુશ દેખાઈ રહ્યા હતા. વાલીઓને હવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નહીં પડે અને બાળકોનું શૈક્ષણિક વર્ષ પણ નહીં બગડે.