અમદાવાદઃ આ વર્ષે કોરોના વાયરસનું ગ્રહણ શનિદેવની જન્મ જયંતિ ઉપર પણ લાગ્યું છે. દર વર્ષે શનિદેવના ભક્તો તેમની જન્મ જયંતિ નિમિત્તે તેમના મંદિરની બહાર તેમના દર્શન માટે અને તેલ અર્પણ કરવા લાઈન લગાવતાં હોય છે. ભાવિક ભક્તોની ભીડ મંદિરોમાં જોવા મળતી હોય છે.પરંતુ કોરોના વાયરસના કારણે જે લોકડાઉન અપાયું છે. તેમાં ગુજરાત સરકાર દ્વારા હજુ પણ મંદિરોમાં છૂટછાટ અપાઇ નથી. એટલે આ વર્ષે દરેક મંદિરોની જેમ શનિદેવના મંદિરો પર તાળાં લાગેલાં જોવા મળે છે.
જયારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પ્રખ્યાત શનિદેવનું મંદિર આવેલું છે. અહીં દર શનિવારે અને મંગળવારે ભાવિક ભક્તો શનિદેવના દર્શન કરવા તેમના આશીર્વાદ મેળવવા અને પૂજાઅર્ચના કરવા આવતાં હોય છે. પરંતુ મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે આ વખતે શનીદેવલની જન્મજયંતી પર કોઈ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું નથી. ફક્ત મંદિરના પુજારી દ્વારા જે જન્મ જયંતી પર નિયમિત રીતે પૂજા અને હોમ કરવામાં આવે છે તે માટે 20 મિનિટની વિશિષ્ટ પૂજા અને હોમનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.પરંતુ તેમાં ફક્ત અને ફક્ત મંદિરના પુૉૂજારી દ્વારા જ વિધિ કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીઓ અને ભાવિક ભક્તોને તેમાં ભાગ લઇ શકશે નહીં.
મંદિરના ટ્રસ્ટી વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે જે વિશિષ્ટ હોમ અને યજ્ઞ કરવામાં આવે છે. જેમાં ભાવિક ભક્તો તરફથી જે દાન આપવામાં આવે છે. તેનો ઉપયોગ દર્દીઓના દવાખાનાની ફી ચૂકવવામાં અને વિદ્યાર્થીઓના શાળાઓની ફી ચૂકવવા જેવા ઉમદા કાર્યમાં કરવામાં આવે છે. ચેક દ્વારા તેમની કુલ રકમના 50 ટકા દાન આપવામાં આવે છે. દર વર્ષે પ્રસાદમાં બુંદી આપવામાં આવે છે અને વિનામૂલ્યે શનિદેવના આશીર્વાદરૂપ ઘોડાની નાળ, વીંટી અને કાળા દોરા આપવામાં આવતાં હતાં. પરંતુ આ વખતે કોઈ આયોજન ન હોવાથી ગયા વર્ષે બચેલા આ પ્રસાદ જરૂરિયાતમંદોને આપવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે કેટલાક રાજ્યોએ દારૂની દુકાન ખુલ્લી મૂકી છે. તો ગુજરાતમાં રાજ્ય સરકારે પાનમસાલાની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. પરંતુ મંદિરો હજુ પણ બંધ હોવાથી ભાવિક ભક્તો નિરાશ થયાં છે.