અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસનો દિવસ સમગ્ર દેશમાં દીવાળી સમાન છે. અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઇ દેશભરમાં અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીએ લોકોમાં ઉત્સાહ છલકાઇ રહ્યો છે. આ પ્રસંગે અમદાવાદ સ્થિત ઉસ્માનપુરામાં વીએચપી તથા બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા મહાઆરતી અને આતશબાજીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં રામ ભગવાનના રંગમાં રંગાયેલા તમામ લોકોએ નાની મોટી ઉજવણી પણ કરી હતી. 500 વર્ષના સંઘર્ષ બાદ આજનો દિવસ સૌ માટે ઐતિહાસિક બન્યો છે. પાલડી સ્થિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે ભૂમિપૂજનની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પાલડી સ્થિત વિશ્વ હિંદુ પરિષદને વિશિષ્ટ રીતે શણગારવામાં આવ્યું હતું. સાથે જ પાલડી વિસ્તારમાં કેસરી ધજાઓ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. રામ મંદિરને લઈને દેશભરમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ઉસ્માનપુરા ખાતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે કાર્યક્રમ યોજાયો હતો. 108 દીવાની આરતી અને ફટાકડાં ફોડી લોકોએ આ ખાસ ઉત્સવ મનાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સહિત અનેક લોકોની હાજરી હતી સાથે જ સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સાથે જ તમામ કાર્યકર્તાઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકર્તાઓ ઉસ્માનપુરા ખાતે પહોંચ્યાં હતાં. જ્યારે અન્ય કાર્યકર્તાઓ પાલડી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પર પહોંચ્યાં હતાં જ્યાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં મહાઆરતી સાથે જ કારસેવકોના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને તેમના પરિવારોને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. કારણ કે રામ જન્મભૂમિ પાછળ કારસેવકોનું બલિદાન પણ એટલું જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. 500 વર્ષના સંઘર્ષમાં કરોડો હિન્દુઓએ સોગંદ લીધાં હતાં જે આજે પૂર્ણ થયાં છે તેવા બેનરો પણ અમદાવાદમાં ઠેરઠેર જોવા મળ્યાં હતાં સાથે જ આજે દીવાળી જેવો માહોલ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ કટિબદ્ધ બન્યું છે.