- 10 ઓકટોબરે 17 પોઝિટિવ દર્દીઓને રજા અપાઇ
- 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં
- રાજ્યમાં 183 એક્ટિવ કેસો નોંધાયા
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 10 ઑકટોબરના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી એ મુજબ છેલ્લા 24 કલાકમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની આ સ્થિતિ ઑકટોબર માસમાંં પણ અગાઉના મહિના જેટલી રહી હતી. કોર્પોરેશન વિસ્તારમાં પણ કોરોનાના કેસો ઘટ્યા છે. અમદાવાદમાં 6 કેસ જ્યારે સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2 એમ સિંગલ ડિઝિટમાં કેસો નોંધાયા છે.
કોરોનાની વર્તમાન સ્થિતિ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 183 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 178 કેસ સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર 5 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,086 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,5,872 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 8,28,029 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્ય સરકારની યાદી મુજબ આજે 10 ઓકટોબરના રોજ 8,28,029 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે ત્યારે આજે 8 લાખથી વધુનું રસીકરણ થયું છે જો કે, ક્યારેક 2.5 લાખ તો ક્યારેક 3થી 4 લાખ આસપાસ રસીકરણ અગાઉના મહિનામાં થતું હતું પરંતુ બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા વધી રહી છે કેમ કે, અત્યાર સુધી રાજ્યમાં પહેલા ડોઝ ટાર્ગેટ પ્રમાણેથી વધી ગયા છે ત્યારે બીજા ડોઝ લેનારની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધી 6,50,26,318 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.