- કોરોના રસી અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ તથા શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી
- જિલ્લામાં 50 વર્ષથી વધુ વયના 3,18,075 નાગરિકો નોંધાયા
- સર્વેમાં નોંધાયેલા સ્ત્રી- પુરુષોને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે રસી અપાશે
અમદાવાદ: જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના રસી આપવા અંતર્ગત 50 વર્ષથી વધુ વયના નાગરિકોની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ધોળકા તાલુકામાં સૌથી વધુ 64,988 નાગરિકો નોંધાયા છે, જ્યારે સૌથી ઓછા 12343 નાગરિકો ધોલેરા તાલુકામાં નોંધાયા છે.
કોરોનાની રસી આપવા માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ
જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યાં પ્રમાણે કોરોનાની રસી આપવા માટે સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે રસી આપવાની કામગીરી હાથ ધરાશે, સૌ પ્રથમ તબક્કામાં 50 વર્ષથી વધુ વયના 3,18,075 સ્ત્રી પુરુષો0નો જે આંકડો નોંધાયો છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.
સર્વે અંગેની કામગીરી મતદાર યાદીના આધારે કરાઈ હતી
સર્વેની કામગીરીમાં રોકાયેલા આરોગ્ય તંત્રના કર્મચારીઓ તેમજ શિક્ષકો દ્વારા મતદાર યાદીના આધારે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાંથી ત્રણ લાખ ઉપરનો આંકડો નોંધાયો છે. જે સર્વે પ્રમાણે જ રસી આપવામાં આવશે. 0 થી ૧૮ વર્ષની વયના 1313, 18 વર્ષથી 50ની વય સુધીના 6313 સ્ત્રી-પુરુષો નોંધાયા છે. સર્વેની કામગીરી દરમિયાન કેટલાક લોકો વિવિધ રોગોથી પીડાતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ધંધુકા તાલુકામાં કેન્સર પીડિત 27 લોકો, ડાયાલિસિસના 42 દર્દીઓ હોવાનું સામે આવ્યું હતું. તદુપરાંત અન્ય રોગોથી પણ કેટલાક લોકો પીડાતા હોવાનું જાણવા મળ્યું હતુ, જેથી તે લોકોને પણ જિલ્લાના તાલુકા કક્ષાએ નક્કી કરેલા સ્થળે અને સમયે આવા દર્દીઓને રસી આપવામાં આવશે.