- આજે નવરાત્રિનો પ્રથમ દિવસ
- ભાજપે નાગરિકોને નવરાત્રિની પાઠવી શુભેચ્છા
- ભાજપના નેતાઓએ નવરાત્રિની શુભેચ્છા આપતા ફોટા કર્યા પોસ્ટ
- આ વખતે ભક્તો ઘરે બેઠાં જ માતાજીની આરાધના કરશે
અમદાવાદઃ આજથી નવરાત્રિનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ વખતે સરકાર દ્વારા ગરબાની પરવાનગી આપવામાં આવી નથી છતાં લોકોમાં નવરાત્રિ માટે દર વર્ષ જેવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીએ પણ નાગરિકોને નવરાત્રિની શુભેચ્છા આપતા ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. આ સાથે કોરોનાની મહામારી વિશ્વમાંથી દૂર થાય તેવી ભાજપે પ્રાર્થના કરી હતી. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ સોશિયલ મીડિયા પર લોકોને નવરાત્રિની શુભેચ્છાઓ આપી હતી.
અંબાજી અને ચોટિલા શક્તિપીઠ દર્શનાર્થીઓ માટે ખૂલ્લા મૂકાયા
નવરાત્રીની શરૂઆતની સાથે જ હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોની પણ શરૂઆત થાય છે. નવરાત્રી બાદ દશેરા, દિવાળી તેમ જ નૂતન વર્ષ પણ આવે છે. આ કોરોના કાળમાં નવરાત્રી એટલી આનંદદાયક રહી નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દેશવાસીઓને માં જગદંબા સમક્ષ કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવેલા શક્તિપીઠો પૈકીના અંબાજી શક્તિપીઠ અને ચોટીલા શક્તિપીઠ દર્શનાર્થીઓ માટે ખૂલ્લા છે, પરંતુ પાવાગઢ જેવુ સુપ્રસિદ્ધ શક્તિપીઠ બંધ છે. ત્યારે આ નવરાત્રિમાં ફક્ત જાહેર આરતી જ કરી શકાશે. ગુજરાતની ઓળખ સમી ગરબાની રમઝટ નહીં હોય, કરોડો ખેલૈયાઓ નારાજ છે. પરંતુ તેમણે શક્તિની આરાધના ઘરે રહીને જ કરવી પડશે.