અમદાવાદ: સમગ્ર ભારતમાં N99 માસ્કનું અદ્યતન કાપડ બનાવતી એકમાત્ર સંસ્થા અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન-અટીરા દ્વારા DRDOને 35 લાખ જેટલા N99 માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જે એઇમ્સ સ્વાસ્થ્ય મંત્રાલય અને રક્ષા સંસ્થાનોને પહોંચશે.
આ કાપડના ઉત્પાદનમાં પોલીએમાઇડ-6 પ્રકારનું નાયલોન ફિલ્ટર વાપરવામાં આવે છે. ગુજરાત સરકારના સહયોગથી ATIRA N99 માસ્કનું અદ્યતન કાપડ બનાવી રહી છે. ‘અટીરા’ના નેનો વિભાગમાં કાર્યરત નેનોઈલેક્ટ્રો સ્પિનીંગ મશીન રાજ્ય સરકારની ઉદ્યોગ કમિશનર કચેરીના આર્થિક સહયોગથી ખરીદવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, N95 માસ્કની ફિલ્ટરેશન કેપેસિટી (ગાળણ ક્ષમતા) 95 ટકા હોય છે. 0.3 માઇક્રોનથી મોટા તમામ કણો (પાર્ટિક્યુલેટ મેટર) N95 માસ્ક 95 ટકાની ક્ષમતા સાથે ફિલ્ટર કરી શકે છે. જ્યારે N99 માસ્કની ગાળણ ક્ષમતા લગભગ 100 ટકા હોય છે.