- અર્જુન મોઢવાડિયાની આગાવાનીમાં આકાર લઈ રહ્યું છે જનઆંદોલન
- પોરબંદર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, જામનગર, દેવભૂમી દ્વારકા જિલ્લામાં દેખાઈ અસર
- પાઈપલાઈનથી સૌથી મોટુ નુકસાન માછીમારોને થશે
અમદાવાદ: જેતપુરમાંથી કરવામાં આવતા કેમિકલ યુક્ત પાણીએ જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢના ગ્રામ્ય વિસ્તારો સુધીની ખેતીને ચોપટ કરી નાખી છે. અગાઉ એક યોજના બની હતી કે આ કેમિકલ યુક્ત પાણીનું જેતપુરમાં જ શુદ્ધીકરણ કરીને તે પાણીને ખેતી કામ અથવા ઉદ્યોગોને આપવામાં આવે. પરંતુ રાજ્ય સરકારે ટૂંકી દ્રષ્ટિ વાપરીને રોજના 80 કરોડ લિટર કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા જેતપુરથી નવી બંદર સુધી 105 કી.મી લાંબી પાઈપલાઈન નાખવાની યોજનાને મંજુરી આપી છે. 80 કરોડ લિટર પાણી એટલે એક આખા ભાદર નદીના પ્રવાહ જેટલુ પાણી રોજ દરિયામાં ઠલવાશે. પરિણામે જે રીતે જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઈ તે જ માણવાદર, પોરબંદરના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. તેમજ કેમિકલ યુક્ત પાણી દરિયામાં જશે એટલે દરિયાઈ જીવસુષ્ટિનો નાશ થશે. રત્નસાગર સમાન દરિયો ઝેરી સાગર બની જશે.
આ પણ વાંચો:રિસોર્ટ રાજકારણ: કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ આપી પ્રતિક્રિયા
સાડી ઉદ્યોગનો વિકાસ કરવો કે પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા?
અજુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતુ કે, પાઈપલાઈનથી સૌથી મોટુ નુકસાન માછીમારોને થશે. દક્ષિણ ગુજરાત અને ભાવનગરના દરિયામાં કેમિકલ જવાથી માછીમારી શક્ય બનતી નથી. તે જ રીતે પોરબંદર, વેરાવળ અને કચ્છ સુધીના દરિયામાં આજ પરિસ્થિતી સર્જાશે. આ દરિયાનું પાણી જમીનમાં જવાથી દરિયાકાંઠાના વિસ્તારમાં ખેતી અને પશુપક્ષીઓનો નાશ થશે અને દરિયાકાંઠાના લોકોને રહેવુ પણ વિકટ બની જશે. અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતુ કે, જેતપુરનો સાડી ઉદ્યોગ આપણૂં ગૌરવ છે, તેને નુકશાન કરવાનો કોઈ ઈરાદો નથી. સાડી ઉદ્યોગને વિકસાવવો પણ આપણી ફરજ છે. આ માટે આ કેમિકલ યુક્ત પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ નાખવો જરૂરી છે. 800 કરોડનો ખર્ચ પાઈપલાઈન માટે થઈ શકતો હોય તો પછી આટલા ખર્ચમાં પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ બની શકે છે. તેમાંથી પાણીની સમસ્યા પણ દુર થઈ શકે તેમ છે. આપણે કોઈપણ રીતે આ પાઈપલાઈન યોજનાને અટકાવી પાણી શુદ્ધીનો પ્લાન્ટ બને એવો આપણો પ્રયત્ન છે. કારાખાનાઓ ધમધમે અને તેનાથી રોજગારી મળે તેમાં આપણો સહકાર છે. પરંતુ હજાર કારખાનાઓને બચાવવા માટે આખા વિસ્તારને કોઈપણ સંજોગોમાં વેરાન બનવા નહીં દેવાય.
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર કર્યા પ્રહાર, કોરોના પોઝિટિવ આંકડાને લઈ આક્ષેપ
અન્ય આગેવાનોના મંતવ્યો
- જેતપુર ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં નાખવાનો પ્રોજેકટ રદ કરો, આ પ્રદુષિત પાણીથી દરિયાઈ જળ સૃષ્ટિ નાશ પામશે તેવી JCI અને કન્ઝર્વેટરી સંસ્થા દ્વારા મુખ્યપ્રધાનને લેખિતમાં રજુઆત થઈ છે. જેતપુરના સાડી ઉદ્યોગોનું ગંદુ કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા માટે ગતિવિધિઓ તેજ થઈ છે, ત્યારે આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરીએ છીએ- પોરબંદરની JCI સંસ્થાના સ્થાપક પ્રમુખ લાખણશી ગોઢાણીયા અને પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થાના પ્રમુખ રાજેશ લાખાણી
- હાલ પણ પોરબંદરની ફેકટરીના પ્રદુષણને કારણે દરિયા કાંઠે માછલીઓ મળતી નથી. જ્યાં સમુદ્ર નથી ત્યાં અનેક મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે તે ત્યાંજ સોલ્યુશન કાઢી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખે છે. જેતપુરમાં પણ આ પ્લાન્ટ નાખવો જોઈએ. આ અંગે અમારો સખત વિરોધ છે અને આ બાબતે મુખ્યપ્રધાનને રજુઆત કરવામાં આવશે અને કલેકટરને આવેદન આપવામાં આવશે. આ બાબતે આંદોલનનો માર્ગ અપનાવવા તૈયાર છીએ. - જીવન જુંગી, પૂર્વ પ્રમુખ, માછીમાર બોટ એસોસિએશન
- કેમિકલ વેસ્ટથી માછલીઓ નાશ થશે અને માછીમારોને નુકશાન થશે. - અશ્વિન જુંગી, ટ્રસ્ટી, ખારવા સમાજ
- પ્રદુષિત પાણી દરિયામાં આવશે તો હજ્જારો લોકોને રોજગારીમાં સીધી અસર પડશે. - ભરતભાઇ મોદી, પૂર્વ પ્રમુખ, માછીમાર બોટ એસોસિએશન