અમદાવાદ : કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદ તબક્કાવાર રીતે અનલોકની જાહેરાત કરી મોટાભાગની સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, ટ્રેનમાં દરરોજ અપડાઉન કરતા વર્ગના લોકો માટે હજૂ પણ પશ્ચિમ રેલવે પાસ શરૂ ન કરતા તેમને ખર્ચ કરી પ્રવાસ કરવા માટે ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડતો હોવાથી હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, દરરોજ પ્રવાસ કરનારા વર્ગને પાસ હવે ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી કરીને તેમનો પ્રવાસી ખર્ચ ઘટે.
નોંધનીય છે કે, અત્યારે રાજ્યમાં અપ-ડાઉન કરનાર વર્ગને પ્રવાસ માટે કાર, ટેક્સી સહિત અન્ય વાહન લેવું પડે છે. મહારાષ્ટ્ર જેવો રાજ્ય કે જ્યાં ગુજરાત કરતા કોરોના ખૂબ જ વધારે છે, તેમ છતાં ત્યાંની સરકારે પશ્ચિમ રેલવેને અપડાઉન કરનારા પ્રવાસીઓને પાસ ઉપલબ્ધ કરાવ્યા છે. જ્યારે ગુજરાત સરકારે દરરોજ પ્રવાસ કરનારા વર્ગ માટે ટ્રેનમાં હજૂ સુધી પાસ ઉપલબ્ધ કરાવ્યા નથી. અગાઉની જેમ રાજ્ય સરકાર ફરીવાર અપડાઉન કરનારા યાત્રીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી છે કે, મોટાભાગના લોકો ટ્રેનમાં દરરોજ અપડાઉન કરે છે. તે ગરીબ અથવા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે અને તેમના પગાર નો મોટાભાગનો ખર્ચ અત્યારે ખાનગી કાર કે ટેક્સીના ભાડા ચૂકવવામાં જતું રહે છે.