અમદાવાદઃ ડો.સોઢીએ જણાવ્યું હતું કે, દેશમાં સાડા ચાર કરોડ લીટર દૂધ રોજ પશુપાલકો પાસેથી કો-ઓપરેટિવ સેક્ટરમાં ઉઘરાવવામાં આવતું હોય છે. જેમાં 50 દિવસમાં રોજનું 35 લાખ લીટર દૂધ વધારે પશુપાલકો પાસેથી ખરીદ્યું છે. જેની સામે 700થી 800 કરોડ રૂપિયા વધારે પશુપાલકોને તેણે ચૂકવ્યા છે. જેના કારણે 36 લાખ પશુપાલકોને સીધો આર્થિક ફાયદો પહોંચ્યો છે અને અમૂલ દ્વારા 6.5 હજાર કરોડ રૂપિયાનું કુલ દૂધ પશુપાલકો પાસેથી 50 દિવસમાં ખરીદવામાં આવ્યું છે.
13 હજાર કરોડના પશુઓના આરોગ્ય માટેના પેકેજને લઈ તેમણે જણાવ્યું હતું કે, આનાથી પશુઓની બીમારીમાં ઘટાડો થશે ખેડૂતોને આ બીમારી માટે ખર્ચ ઓછો થઈ 60,000 કરોડનો સીધો આર્થિક ફાયદો પહોંચશે.
ડો સોઢીએ જણાવ્યું હતું કે, જે પ્રમાણે નાણાં પ્રધાન દ્વારા 10 હજાર કરોડનું ફંડ ગ્રામીણ વિસ્તારોમાં માઈક્રો જોબ ઉત્પન્ન કરવા માટે કરવામાં આવ્યું છે તેનાથી આગામી દિવસોમાં ભારતમાં લોકલ ઉત્પાદનમાં વધારો થશે તથા તેનાથી બે લાખ નવા લઘુ રોજગાર આપનારા સોપાનો ખુલશે, જેનાથી દેશમાં નવી રોજગારીની તકો ઉભી થશે સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પશુપાલન માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ આ રાહત ફન્ડ થકી ગામડામાં પાછા ગયેલા નાગરિકોને પશુપાલનની એક ઉત્તમ તક ઊભી થશે જમીન વગરના પણ લોકો માટે પશુપાલન એક રોજગારીનો નવો વિકલ્પ થઈ ઊભરી આવશે જેથી દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે નવી ક્રાંતિ આવી શકશે અને પશુપાલન એક વ્યવસાય તરીકે ઉભરી આવશે તેવું તેમણે જણાવ્યું હતું સાથે જ તેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ પેજને આવકાર્યો હતો અને સરકારનો આભાર માન્યો હતો.