- ADR રિપોર્ટમાં ચુકાવનારો ખુલાસો
- લોકપ્રતિનિધિત્વની કલમ અંતર્ગત 296 MLA અને 67 MP ઉપર ચાર્જ
- જનપ્રતિનિધિ ઉપર 10 થી 30 વર્ષો જુના કેસ ચાલી રહ્યા છે
અમદાવાદ: એસોસિયેશન ઓફ ડેમેક્રેટિકના રિપોર્ટ મુજબ એક આશ્ચર્યજનક ખુલાસો સામે આવ્યો છે. જેમાં 296 ધારાસભ્યો અને 67 સાંસદો ઉપર લોકપ્રતિનિધિતવની કલમ 8(1) , 8(2) અથવા 8(3) હેઠળ ચાર્જ લાગેલા છે. જે MP અને MLA ઉપર ચાર્જ લાગ્યા છે તેમાં સૌથી વધુ 83 જનપ્રતિનિધિ ભાજપના છે. 47 કોંગ્રેસના, એઆઇટીસીના 25, બીજેડીના 22, વાય.એસ.આર.સી. પી. ના 22, સીપીઆઈ ના 22 અને આરજેડીના 14 સભ્યો છે.
શું છે ADR રિપોર્ટમાં?
રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 39 મંત્રીઓ પૈકી 4 કેન્દ્રીય મંત્રી છે અને 35 રાજ્યકક્ષાના મંત્રીઓ છે કે જેમના ઉપર લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ ગુનો નોંધાયો છે અને કોર્ટ દ્વારા તે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે સાંસદો સામે સરેરાશ 7 વર્ષથી જ્યારે ધારાસભ્યોની સામે સરેરાશ 6 વર્ષથી કેસ પેન્ડિંગ છે. આ સાથે 24 સાંસદોની સામે 42 કેસ દસ વર્ષથી વધુ સમયથી પડતર છે. 111 ધારાસભ્ય સામેના 315 કેસ 10 વર્ષથી પણ વધુ સમયથી પડતર છે તો કેટલાંક તો કેસ 30 વર્ષથી પણ વધુ સમયથી પેન્ડિંગ છે.
શું છે લોક પ્રતિનિધીત્વની કલમોનો મતલબ?
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગત સાંસદો અને દરેક રાજ્યના ધારાસભ્યોની યોગ્યતાઓ અને અયોગ્યતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાયદાની જોગવાઈ અંતર્ગત એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભારતની લોકશાહીને ચારિત્ર્યવાન, કર્મનિષ્ઠ જનપ્રતિનિધિ મળી શકે. આ કાયદાની કલમ 8 મુજબ કોઈ વ્યક્તિ કે જેના ઉપર બે સમુદાયો વચ્ચે દુશમની કરાવવી, બળાત્કાર, લાંચ લેવાનો આરોપ, અસ્પૃશ્યતા વગેરે જેવા ગુના લાગ્યા હોય તો તેવા કિસ્સામાં તે ગુનો સાબિત થયાની તારીખથી તે સાંસદ કે ધારાસભ્ય રહી શકશે નહીં. સુધી સજા પુરી થયાના 6 વર્ષ સુધી તે ચૂંટણી પણ લડી શકશે નહીં.