- રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ફટાકડાની કરી આતશબાજી
- રામોલમાં રાત્રિ કર્ફ્યુ ભંગ થતો વિડિયો થયો વાઈરલ
- લોકોએ પોલીસને કરી ફરિયાદ
- પોલીસ અને યુવકો વચ્ચે થઈ બોલાચાલી
અમદાવાદ: રામોલ વિસ્તારમાં પોલીસની કામગીરી સામે દિવસે ને દિવસે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન દુકાનો ચાલુ હોય કે બર્થ-ડે કેક કાપવાની ઉજવણી હોય પોલીસની કામગીરી સામે સવાલ થયા છે. ત્યારે રામોલમાં વધુ એક ઘટના આવી જ સામે આવી છે. જેમાં વસ્ત્રાલ વિસ્તારમાં શાશ્વત મહાદેવ પાસે રાત્રિ કર્ફ્યૂમાં બર્થ-ડે હોવાથી જાહેર રોડ પર કેટલાંક યુવકોએ મોડી રાત્રે આતશબાજી કરી હતી. જેનો સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરતા રામોલ પોલીસ પહોંચી હતી. ત્યાં પોલીસ અને યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી.
સ્થાનિકે આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો
જેમાં વસ્ત્રાલ RTO રોડ પર શાશ્વત મહાદેવ પાસે કેટલાક યુવકો ફટાકડા ફોડી અને આતશબાજી કરે છે તેવો કંટ્રોલ મેસેજ 2 માર્ચના રાત્રે મળ્યો હતો. જેથી રામોલ પોલીસની ગાડી ત્યાં પહોંચી હતી. પોલીસની ગાડી આવતા જ યુવકો નાસી ગયા હતા. પોલીસની ગાડી ઉભી રહી ત્યારે ત્રણ યુવકો ત્યાં ઉભા હતા. તે યુવકોને પોલીસ પકડવા ગઈ ત્યારે યુવકોએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. એક સ્થાનિકે આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો. 10 મિનિટ સુધી પોલીસ અને આ યુવકો વચ્ચે બોલાચાલી ગાળાગાળી થઈ હતી અને એક યુવકે પોલીસ સામે દંડો લઈને જતો હોવાનું પણ વિડિયોમાં જોવા મળે છે. પોલીસની બીજી ગાડી આવે છે ત્યારે બે યુવકો ત્યાંથી ખેતર તરફ નાસી પણ જાય છે.
આ પણ વાંચો: રામોલમાં રાત્રિ કર્ફયુનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરનાર 5ની ધરપકડ
જાહેરનામા ભંગની ફરિયાદ થઈ
પોલીસ અને યુવકો વચ્ચે આ ઘટના બને છે જેનો વિડિયો વાઇરલ થયો હતો. જ્યારે પોલીસે સંદીપ પટેલને બોલાવી અને પૂછ્યું ત્યારે સંદીપે કહ્યું- તેઓએ બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. બર્થ-ડે પાર્ટીમાં બોલાવેલા મિત્રોમાં ત્રણ મિત્રોને બોલાવી પૂછતાં તેમના નામ દિપક પટેલ, સની દરબાર અને સુનિલ પટેલ હોવાનું જણાવ્યું હતું. અન્ય મિત્રોમાં યશ ગોસ્વામી, પાર્થ પટેલ અને નીરવ પરમાર હતા. રાત્રિ કર્ફયુનો ભંગ કરતા તેમની સામે જાહેરનામા ભંગની ફરિયાદ હતી. પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થાય છે. એક યુવક પાસે દંડો જોવા મળે છે અને ત્યાંથી બે યુવકો નાસી જાય છે, છતાં ફરિયાદમાં ક્યાંય તેનો ઉલ્લેખ કરવામા આવ્યો નથી.