- કોરોનાના ડરથી લોકો મેળાઓમાં જવાનું ટાળે છે
- હસ્તકલાની કારીગર મહિલાઓનો મેળો મુલાકાતીઓ ઝંખે છે
- મહિલાઓને પગભર કરવાના પ્રયાસ
અમદાવાદ ઃ શહેરનો રિવરફ્રન્ટ જ્યારથી મેળા મહોત્સવ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, ત્યારથી ખૂબ જ ભવ્ય પ્રતિસાદ મળે છે. ખુલ્લી જગ્યા, પાર્કિંગની સુવિધા અને મધ્યમાં આવેલા ઈવેન્ટ સેન્ટરોમાં મોટાભાગે તમામ ક્ષેત્રના પ્રદર્શન અને વેચાણ સફળ થાય છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે મહિનાઓથી મેળા મહોત્સવ વગર રિવરફ્રન્ટ અને શહેરના અન્ય વેપાર ધંધાને વેગવાન બનાવતાં ઇવેન્ટ સેન્ટરો બંધ હાલતમાં પડ્યાં છે. જ્યાં વેપારના વિકાસ માટેની શરૂઆત થઇ છે ત્યાં પણ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકડાઉનના કારણે ઘણાં પરિવારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે.
- હસ્તકલા મેળામાં નથી જોવા મળતી ઘરાકી
પગભર થવા માગતી મહિલાઓ માટે યોજાયેલા હસ્તકલાના મેળામાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યાં છે. રિવરફ્રન્ટ પર પ્રદર્શન સાથે વેચાણના આ મેળામાં મહિલાઓ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં થી રોજગારી માટે આવી છે. જેમાં માટીકામ, મોતીકામ, હાથશાળ, ભરતકામ, ગૃહઉદ્યોગની વિવિધ શ્રેણીમાં સ્ટોલ તૈયાર કરવામાં આવ્યાં છે. કોરોનાથી બચવા સૂચનાઓ, સેનિટાઇઝેશન અને સંક્રમણની તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એમ છતાં મુલાકાતીઓ વગર મહિલાઓ માટેનો આ હસ્તકલા મેળો નિરસ જણાય છે.