વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ સરકારને લેખિતમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે કેટલી વખત અરજી અને ક્યારે અરજી કરી છે. જેના જવાબમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવ્યો કે, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. વર્ષ 2019ના મે મહિનાથી છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે કોઈ પ્રકારની દરખાસ્ત કરી નથી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદનું નામ ઇતિહાસ સાથે જોડાયેલું છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્રમાં ત્રણેય જગ્યાએ ભાજપની સત્તા છે, ત્યારે અમદાવાદનું નામ કર્ણાવતી થશે કે નહીં તે અંગે પણ ચર્ચાઓ પહેલા લોકમુખે થઈ હતી. જ્યારે ગત વિધાનસભા સત્રમાં વિપક્ષ દ્વારા પણ સરકારને ટોણા મારવામાં આવ્યાં હતાં. હવે વિધાનસભાના સત્રમાં જાણવા મળ્યું કે, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા રાજ્યએ 2 વર્ષમાં એકવાર પણ કેન્દ્રને દરખાસ્ત નથી કરી.