અમદાવાદ: શહેરના નિકોલના વિરાટનગર રોડ પર આવેલ ક્રિષ્ના ગોલ્ડ પેલેસમાં બપોરે બે વાગ્યાની આસપાસ એક શખ્સ દુકાનમાં આવ્યો હતો અને તેણે ચાંદીની વીંટી માગી હતી. જો કે, દુકાનદાર કેતન પટેલે ચાંદીની વીંટી બતાવતા હતા, તે દરમિયાન બીજો એક શખ્સ મોઢે રૂમાલ બાંધીને દુકાનમાં પ્રવેશ્યો હતો. જેમણે એક વીટીં પસંદ કરતા કેતન પટેલ વીંટીનું વજન કરતાં હતાં. પરંતુ તેમને કંઇક શંકાસ્પદ લાગતા જ તેમણે આ શખ્સને મોઢેથી રૂમાલ નીકાળવા માટે કહ્યું હતું. જો કે, આ શખ્સએ તરત જ પિસ્તોલ કાઢી હતી અને કેતન પટેલને ધમકી આપી કહ્યું કે, આવાજ મત કરના, પરંતુ કેતન પટેલએ ચોર ચોરની બુમો પાડતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં.
આ ઘટનામાં એક શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. જ્યારે બીજા શખ્સને કેતન પટેલ અને અન્ય સ્થાનિકોએ પીસ્તોલ સાથે લોકોએ ઝડપી લીધો હતો. આ ઘટનાની જાણ કરતાં નિકોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી અને આ લૂંટારૂને પકડીને તેની પૂછપરછ શરૂ કરીને તેની સાથે રહેલા અન્ય લૂંટારૂઓને પકડવા માટે ટીમો કામે લગાડી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે, એક પછી એક બનતી લૂંટ અને ચોરીની ઘટનાઓ રોકવામાં પોલીસ કેટલા સમયમાં સફળ થાય છે. હજી તો નિકોલ 3 કિલો સોનાની ચીલઝડપના આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી નથી ત્યાં વધુ એક લૂંટની ઘટના બનતી અટકી છે.