અમદાવાદ : રઉફવલીઉલ્લાની હત્યાના કેસમાં બન્ને આરોપીઓ આજીવન કેદની સજા ભોગવતા હતા. બન્ને આરોપીઓ પેરોલ પર છૂટ્યા બાદ છેલ્લા ઘણા સમયથી જેલમાં હાજર થયા ન હતા. પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવાના આદેશો છૂટ્યાના ગણતરીના કલાકોમાં પોલીસે સફળ ઓપેરેશન કર્યું હતું. અમદાવાદ શહેરમાં એક જમાનાના ડોન લતીફની ગેંગ દ્વારા 1987થી 1994ની સાલમાં અંધાધૂંધી ફેલાવવામાં આવી હતી. ઠેર ઠેર લોકોની હત્યા, ખંડણી, મારામારી, લૂંટ સહિતના ગંભીર ગુના આચરવામાં આવ્યા હતા. આ સમયમાં ઓઢવમાં થયેલા રાધિકા જીમખાના હત્યાકાંડ અને કોંગ્રેસ નેતા રઉફવલીઉલ્લાની હત્યાના બનાવે શહેરમાં ભારે ચર્ચા અને ફફડાટ ફેલાવ્યો હતો. લતીફ ગેંગના સાગરીતોનો શહેરના ખૂણે ખૂણે દબદબો હતો.
રાધિકા જીમખાનામાં હંસરાજ ત્રિવેદીની હત્યા કરવા ગયેલા લતીફ ગેંગના શાર્પ શૂટર શરીફખાન સહિતના આરોપીઓને ક્લબમાં રમવા બેઠેલા ખેલીઓએ હંસરાજ કોણ તે અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. આથી શરીફખાન સહિતના આરોપીઓએ એવું વિચાર્યું કે, બધાને ગોળીઓ મારો અને બાદમાં અંધાધૂંધ ફાયરિંગ કરી કલબમાં રમવા બેઠેલા હંસરાજ સહિત તમામ લોકોને મારી નાંખ્યા હતા.
આ ઘટનાએ સમગ્ર દેશમાં લતીફ ગેંગના નામની દહેશત ફેલાવી હતી. આ જ રીતે માદલપુર ગામ ગળનાળા પાસે આરોપીઓએ કોંગ્રેસ નેતા રઉફવલીઉલ્લાની હત્યા કરી હતી. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપી મોહંમદ અમીન ઉર્ફ અમીન ચોટેલી રહીમમિયા શેખ અને મોહંમદ ફારૂક ઉર્ફ ફારૂકબાબા અલ્લારખા શેખની પણ ધરપકડ થઈ હતી. આ ગુનામાં બન્ને આરોપીઓને આજીવનકેદની સજા થઈ હતી.
અમીન ચોટેલી ગત 1 એપ્રીલ, 2020ના રોજ પેરોલ છૂટ્યા બાદ બે વાર રજા લંબાવી હતી. આરોપીને ગત 21 જૂન, 2020ના રોજ જેલમાં હાજર થવાનું હોવા છતાં આરોપી ફરાર થઈ ગયો હતો. જ્યારે ફારૂકબાવા ગત 12 માર્ચ, 2020ના રોજ પેરોલ રજા પર મુક્ત થયો બાદમાં રજા વધારી હતી. આરોપી ફારૂકબાવાને ગત 15 જૂન, 2020ના રોજ જેલમાં હાજર થવાનું હતું. સમયમર્યાદા મુજબ જેલમાં હાજર થવાની જગ્યાએ અમીન અને ફારૂક ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાંચે બાતમી આધારે અમીન ચોટેલીને મંગળવારે દરિયાપુરના જે. કે. પાન પાર્લર પરથી જ્યારે ફારૂકબાવાને દરિયાપુર મોલની પોળ પાસેથી બુધવારે ઝડપી લીધા હતા.