- ગત વર્ષે પણ બેંગ્લોર રહ્યું હતું પ્રથમ ક્રમે
- 10 લાખથી ઓછી વસ્તીમાં શિમલા રહ્યું પ્રથમ
- બેંગ્લોર રહેવા માટે ભારતનું સૌથી સારો શહેર
અમદાવાદઃ કેન્દ્ર સરકારના ઇઝ ઓફ લિવિંગના સર્વેમાં રહેવા લાયક શહેરોના સુચકઆંકમાં ગુજરાતના અમદાવાદને ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. જુદી જુદી કેટેગરીમાં આ રેન્ક આપવામાં આવ્યા છે. જેમાંથી 10 લાખથી વધુ વસ્તી ધરાવતા અને 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોને ક્રમ આપવામાં આવ્યા હતા. કુલ 111 શહેરોમાં બેંગ્લોર પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે પુણે બીજા નંબરે અને અમદાવાદ ત્રીજા નંબરે રહ્યો છે. આ ઉપરાંત ચેન્નઈ, સુરત, નવી મુંબઇ, કોયમ્બટુર અને વડોદરા જેવા શહેરોનો પણ ટોપ 10 શહેરોમાં સમાવેશ થયો છે.
અમદાવાદના લોકોની પ્રતિક્રિયા
ઇઝ ઓફ લિવિંગની રેન્કિંગમાં અમદાવાદને ત્રીજો ક્રમ પ્રાપ્ત થતા સૌ કોઈમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે. નાગરિકોનું કહેવું છે કે, અહીંની મનપાએ સ્માર્ટ સિટીના ક્ષેત્રે કરેલા કામોથી ઇઝ ઓફ લિવિંગમાં ઘણી સરળતા રહી છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે, વધતી જતી ટેક્નોલોજીની સાથે સાથે લોકોએ પણ ગમે ત્યાં ન થુકી કે ગમે ત્યાં કચરો ન ફેંકી શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યની સુખકારીમાં ફાળો આપવો જોઈએ. તો કેટલાક લોકોનું કહેવું છે કે, અમદાવાદની જનતા હંમેશા પોતાની આગવી જીવન શૈલી અને સંયમ માટે જાણીતી રહી છે એટલા માટે જ આપણે કોરોના સામે સારી રીતે લડી શક્યા છીએ.
શુ છે ઇઝ ઓફ લિવિંગ?
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ દર વર્ષે કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. જેમાં શહેરમાં રહેવાની ગુણવત્તા, સુરક્ષા, વિકાસ, આરોગ્ય, હેલ્થ અને, શિક્ષણ જેવા ક્ષેત્રે ગુણવત્તાના ધોરણો પર ક્રમાંક આપવામાં આવે છે.