અમદાવાદ: કલાકારો રૂપેશ અમીન અને બબલુ અમદાવાદીએ ફેસબુક પર અમદાવાદના ડૉક્ટરો વિરૂદ્ધ એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમના વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ જો કલાકારો રૂબરૂ આવીને માફી માંગે તો જ ફરિયાદ પાછી ખેંચવામાં આવશે તેમ જણાવતા કલાકારોએ સમાધાનરૂપે મીડિયા સમક્ષ ડૉક્ટરોની માફી માંગી હતી.
ડૉ. મોના દેસાઈએ આ અંગે જણાવ્યું હતું, "અમે કોઈ કલાકારોની વિરુદ્ધમાં નથી અને તેમની પરિસ્થિતિ પ્રત્યે પણ સહાનુભૂતિ રાખે છે. આ સાથે જ તેમનું ભવિષ્ય બગડે તેવી કોઈ ઈચ્છા ધરાવતા નથી પણ જ્યારે પોતાની અને પરિવારની સલામતીની વાત આવે ત્યારે આ બાબતને હળવાશથી લઈ શકાય નહીં અને ભવિષ્યમાં આવો બનાવ બને તેના કારણે જ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. જો તેઓ માફી માંગે તો અમે પણ જરૂર કેસ પાછો લઇ લઈશું. અમે ખાલી નવરાત્રી જ નહીં, કોઈપણ જાતના મેળાવડા ન થાય તે બાબતે અપીલ કરી શકીએ છે પરંતુ સરકાર જ સંપૂર્ણ મંજુરી આપી શકે છે."