અમદાવાદ: પશ્ચિમ રેલવેએ ગુજરાતના અમદાવાદથી બાંગ્લાદેશ માટેની પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનનું લોડિંગ 8 ઓગસ્ટ, 2020ના રોજ પશ્ચિમ રેલવે અંતર્ગત અમદાવાદ મંડળના કાંકરિયા યાર્ડ ખાતે શરૂ થયું હતું. આ ટ્રેન લોડિંગ પૂર્ણ થયા પછી, તે દિવસે જ સાંજ સુધી રવાના થઇ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની નવગઠિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની આ અનોખી ઉપલબ્ધિ ભારતીય રેલવે પર પાર્સલ કારોબારના ક્ષેત્રમાં એક સીમા ચિહ્નરૂપ સાબિત થશે.
બાંગ્લાદેશના બેનોપોલ સ્ટેશન માટે અમદાવાદ પાર્સલ કાર્યાલયમાં VPU રેક માટે 20 VPU અને 1 SLRનું ઇન્ડેન્ટ હાલમાં જ જારી કરવામાં આવ્યું છે. આ રેકમાં ભરવામાં આવનારા આવશ્યક સામગ્રી એકત્રિત કરવાની મંજૂરી 8 ઓગસ્ટ, 2020 સુધી આપવામાં આવી છે.
આ રેકમાં ભરવાની વસ્તુઓમાં 15 VPUમાં ડેનિમ કાપડ અને 5 VPUમાં રંગવા માટે ઉપયોગમાં આવતી સામગ્રી લોડ કરાઈ છે. આવો ટ્રાફિક અમદાવાદ મંડળમાં પહેલીવાર સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. તેનાથી લગભગ 31 લાખ રૂપિયાનું રાજસ્વ રેલવેને પ્રાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ માટે અમદાવાદ મંડળની આ પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન છે. જે બાંગ્લાદેશના બેનાપોલ સુધી પહોંચવા માટે 2110 કિલોમીટરનું અંતર કાપશે.