અમદાવાદ: આ બે મહિનાના સમયગાળા દરમિયાન ધંધા અને ઉદ્યોગો બંધ રહ્યાં જેથી ઉદ્યોગોને આર્થિક નુકસાન પણ વેઠવું પડયું છે. સરકાર દ્વારા અર્થતંત્રને ધબકતું રાખવા 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરાયું છે. જેમાંથી ત્રણ લાખ કરોડ મધ્યમ અને નાના ઉદ્યોગ માટે ફાળવવામાં આવ્યાં છે. આ મધ્યમ અને નાના ઉદ્યોગોનો સમાવેશ એમ.એસ.એમ.ઈ સેક્ટરમાં થાય છે. જેમાં સામાન્ય રીતે 25 લાખથી લઈને 10 કરોડ રૂપિયા સુધીનું મૂડીરોકાણ હોય છે અને 5 વ્યક્તિઓથી લઇને 100 જેટલા વ્યક્તિઓ તેમાં કામ કરતા હોય છે. આ કોટેજ ઇન્ડસ્ટ્રી મોટાપાયે શ્રમપ્રધાન હોય છે. જેથી રોજગારી પુરી પાડવાની દ્રષ્ટિએ અન્ય ઉદ્યોગોની સરખામણીમાં એમ.એસ.એમ.ઇ સેકટર સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. સૌથી વધુ ઉદ્યોગસાહસિકો આજ સેકટરમાંથી આગળ આવે છે.
બે મહિના બાદ અમદાવાદમાં શરૂ થયાં નાના ઉદ્યોગો, પરંતુ તકલીફો અનેક જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય છે. અમદાવાદ તેનું આર્થિક પાટનગર હોવાથી લાખોની સંખ્યામાં મધ્યમ અને નાના કદની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે .જેમાં સ્થાનિક અને પરપ્રાંતના લાખો લોકો રોજગારી મેળવે છે.પરંતુ છેલ્લાં બે મહિનાના લૉક ડાઉનથી આ MSME સેક્ટર બંધ રહેવાના કારણે તેનું પ્રોડક્શન અને આવક પણ બંધ રહી છે. બીજી તરફ અહીં કામ કરતા કારીગર પણ પોતાના વતન ચાલ્યાં ગયાં છે. એટલે કારીગરોની પણ અછત છે. અત્યારે જે કાચો માલ તેમને મળી રહ્યો છે તે પણ ઊંચા ભાવે મળી રહ્યો છે. બીજી તરફ આ ઉદ્યોગો મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલ હોય છે, તેમને સ્પેરપાર્ટ્સ પૂરા પાડે છે. ત્યાંથી માગ ઘટતાં ભાવ ઘટાડવાની ફરજ પડી છે. આમ તેમને બેવડો માર પડી રહ્યો છે.
સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કારખાનાને સેનિટાઈઝ કરીને, માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને કામ કરવામાં આવી રહ્યું છે. બીજા કેટલાક રાજયોમાં હજુ પણ લૉકડાઉનમાં છૂટછાટ ન હોવાથી ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ હોવાથી માલ મોકલવામાં અને કાચો માલ મેળવવામાં તકલીફ પડી રહી છે. જ્યારે અત્યારે ફક્ત અગાઉ ઓર્ડર લીધા હતાં તેે પૂરું કરવાનું કામ ચાલી રહ્યું છે. નવા ઓર્ડર મળી રહ્યાં છે,પરંતુ ઓછી માત્રામાં મળી રહે છે. સરકારે MSME સેકટર માટે ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે પરંતુ તે લોન સ્વરૂપે છે.
બે મહિના બાદ અમદાવાદમાં શરૂ થયાં નાના ઉદ્યોગો, પરંતુ તકલીફો અનેક ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએેશન ગુજરાતના સેક્રેટરી અજીત શાહે જણાવ્યું હતું કે, અત્યારે ફક્ત 70 ટકા એમ.એસ.એમ.ઈ સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝ જ ચાલુ થઈ છે. જેમાંથી 30 ટકા આઉટપુટ મળી રહ્યું છે. બે મહિના આ ઇન્ડસ્ટ્રી બંધ રહેવાના કારણે વર્કિંગ કેપિટલની તંગી સર્જાઇ છે. જ્યાં સુધી કારીગરોની વાત છે,ત્યાં સુધી મધ્યપ્રદેશ,રાજસ્થાનના અને લોકલ કારીગરો જ મળી રહે છે. પહેલાંની જેમ સ્થિતિ પૂર્વવત થતાં દિવાળી સુધીનો સમય લાગી શકે છે. આ સેક્ટર 1 કરોડના રોકાણ સામે સૌથી વધુ રોજગારી આપતું સેક્ટર છે. સરકારે ચોક્કસ MSME સેક્ટર માટે કેટલીક રાહતો જાહેર કરી છે. પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે એક વર્ષની અંદર કેટલીય નાની ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ શકે છે. જે લોન સરકાર દ્વારા આ સેકટરને પૂરી પડાઇ રહી છે, તેમાં તેમને વ્યાજ માફી આપવી જોઈએ અથવા તો ખૂબ જ ઓછું વ્યાજ રાખવું જોઈએ.જો સરકાર ટાટા અને ફોર્ડ જેવી કંપનીઓને 20 વર્ષ સુધી જીએસટીમાં રાહત આપી શકતી હોય, તો નાની કંપનીઓને પણ આપવી જોઈએ. કારણ કે નાની કંપનીઓ આગળ ચાલીને મલ્ટિનેશનલ કંપની બને છે. તે દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ છે. તેમ થશે તો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું'આત્મનિર્ભર ભારત' પૂર્ણ થશે.