અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે તાજેતરમાં લૉ ની પરીક્ષા દરમિયાન NSUIનો સેનેટ સભ્ય મોબાઈલ સાથે પરીક્ષામાં બેઠો હોવાની તેમજ NSUIનો કાર્યકર માસ્ક વગર રૂમમાં ઘુસ્યો હોવાની ફરિયાદ ABVP દ્વારા કરવામાં આવી છે.
ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને યાગ્ય પગલા ભરવાની માગ સાથે લેખિત રજૂઆત કરવામા આવી છે કે, લૉ વિભાગની છેલ્લા વર્ષની પરીક્ષામાં જીએલએસ ખાતે આવેલી એચએ કોલેજના પરીક્ષા સેન્ટરમાં ચાલુ પરીક્ષાએ કલાસરૂમમાં NSUIના કાર્યકર્તા માસ્ક વગર ઘુસ્યો છે અને થોડા સમય સુધી ઉભો રહે છે. તેમજ કલાસરૂમમાં સુપરવાઈઝર પણ તેને કંઈ બોલતા નથી. આ જ કલાસરૂમમાં NSUIનો સેનેટ સભ્ય પરીક્ષા આપી રહ્યો હતો, જે કલાસરૂમમાં મોબાઈલ સાથે બેઠો હતો અને ચોરી કરવાનો પ્રયત્ન કરતો હતો.
આ સમગ્ર ઘટનાના પુરવા પણ ABVPએ લીધા છે. જેથી તાકીદે સુપરવાઈઝરને સસ્પેન્ડ કરવામા આવે અને આ ઘટનામાં કડક પગલા લેવામા આવે તેવી માગ ABVP દ્વારા કરવામાં આવી છે.
જો કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ તરફથી કે યુનિવર્સિટીના સત્તાધીશો કે તંત્ર તરફથી કોઈ પગલા લેવાયા નથી. નિયમ પ્રમાણે મોબાઈલ સાથે જો વિદ્યાર્થી પકડાય તો પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે આ જગ્યાએ સામન્ય વિદ્યાર્થી હોય તો શું યુનિવર્સિટી કોઈ પગલાં ન ભરત તેવા પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.