પાલડી ખાતે ABVPના કાર્યાલયનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ NSUI દ્વારા રાખવામાં આવ્યો હતો. જે કારણે પહેલેથી જ ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ABVPના કાર્યકરોએ ઘેરાવ કરે એ પહેલા જ NSUIના કાર્યકરો પર લાઠી વરસાવી હતી. લાકડી લઈને જઇ રહેલા ABVPના કાર્યકરો કેમેરામાં કેદ થઈ ગયા છે. આ ઘટનાને રેકોર્ડ કરી રહેલા ઈટીવી ભારતના રિપોર્ટરનો મોબાઈલ પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો. ETV ભારતના રિપોર્ટરને ABVPના કાર્યકરોએ ઘેરી ટપલી દાવ કરવાની પણ કોશિશ કરી હતી.
NSUI કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ABVPના કાર્યકરોએ અસામાજિક તત્ત્વોની જેમ લાકડીઓ સાથે બહાર આવ્યા હતા. તેમણે છુટ્ટા હાથે NSUIના કાર્યકરો પર લાકડીઓ વરસાવી હતી. જેમાં અનેક કાર્યકરો ઘાયલ થયા હતા. પોલીસે પણ એક તરફી કાર્યવાહી કરીને NSUIના કાર્યકરો પર જ લાઠીચાર્જ કર્યો હતો. ABVPના હુમલામાં NSUIના આગેવાન નિખિલ સવાણી ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.