- મ્યુકોરમાઈકોસિસ બ્લેક ફંગસ તરીકે પણ ઓળખાય છે
- કોરોનાની સારવાર બાદ સૌથી વધુ લોકોને થઈ છે આ બિમારી
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 125 જેટલા દર્દીઓ સારવાર હેઠળ
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મ્યુકોરમાઈકોસિસ નામક બીમારીનો ખતરો જોવા મળી રહ્યો છે. મ્યુકોરમાઈકોસિસને બ્લેક ફંગસ પણ કહેવામાં આવે છે. આ બિમારી કોરોનાથી સ્વસ્થ થનારા લોકોમાં જ મોટાભાગે જોવામાં આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા સંખ્યાબંધ મહિનામાં જ મ્યુકોરમાઈકોસિસના 800થી વધારે કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાને પહોંચી વળવા પૂરતા સંસાધનો નથી, ત્યારે આ નવી એક બિમારી આરોગ્ય વિભાગની પરીક્ષા લે તેમ છે.
કઈ રીતે પ્રસરે છે મ્યુકોરમાઈકોસિસ
આ બિમરી હાલમાં કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોમાં સૌથી વધારે જોવા મળે છે. કોરોનાની સારવાર દરમિયાન દર્દીને સ્ટેરોઈડ આપવામાં આવ્યું હોય અને જો દર્દીનું બ્લડ તેમજ શુગર લેવલ પણ કાબૂમાં ન રહેતું હોય, તેવા લોકોને મ્યુકોરમાઈકોસિસ થવાનો ભય સૌથી વધારે રહેલો છે. હાલમાં રાજ્યભરમાં મ્યુકોરમાઈકોસિસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્રમાં પણ ચિંતાનુ મોજું ફરી વળ્યું છે.
બજારોમાં દવાની અછત સર્જાવાની શરૂ
બ્લેક ફંગસ તરીકે ઓળખાતા મ્યુકોરમાઈકોસિસને કાબૂમાં લેવો પડકારજનક છે. તેની સારવાર માટે ઉપયોગી દવાનો 28 દિવસનો કોર્સ પૂરો કરવો પડતો હોય છે. 28 દિવસના કોર્સમાં દર્દીને દિવસમાં 7થી 8 વખત એમફોટેરિસીનના ઈન્જેક્શન આપવાના હોય છે. સમગ્ર સારવારનો સરેરાશ ખર્ચ 15 લાખને પણ આંબી જાય તેમ છે. હાલમાં વધી રહેલા આ રોગની દવાઓની તંગી સર્જાવાની શરૂ થતા લોકો તેના માટે મેડિકલ સ્ટોરના ધક્કા ખાઈ રહ્યા છે અને દવાઓ ન મળવાને કારણે તબીબોને પણ સારવારમાં અગવડ પડી રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 125 દર્દી સારવાર હેઠળ
મ્યુકોરમાઈકોસિસના 125 દર્દીઓ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. દરરોજે સિવિલ હોસ્પિટલમાં નવા 12 કેસ નોંધાઈ રહ્યા છે. મ્યુકોરમાઈકોસિસથી અંદાજિત 30 ટકા દર્દીઓના મોત થતા હોવાના આંકડાઓ પ્રારંભિક તબક્કે નોંધાઈ રહ્યા છે. જોકે, દર્દીઓ જો સારવાર માટે સમયસર પહોંચી જાય તો મૃત્યુ થવાની સંભાવના નહિવત છે. સારવારમાં વિલંબ થતા દર્દીને જટિલ સર્જરી કરાવવી પડે તેવા સંજોગો પણ ઉભા થાય તેમ છે.