અમદાવાદ:55 દિવસ બાદ 24મી જૂનના રોજ અમદાવાદ જિલ્લા અને શહેરમાં સૌથી ઓછા કુલ 215 કેસ નોંધાયાં છે, જેમાં અમદાવાદ શહેરમાં કુલ 205 કેસ નોંધાયાં છે. આ પહેલાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછાં 164 કોરોના પોઝિટિવ કેસ 28મી એપ્રિલના રોજના નોંધવામાં આવ્યાં હતાં. ત્યારબાદ મે અને જૂન મહિનામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો હતો.
અમદાવાદ જિલ્લામાં કે જેમાં અમદાવાદ સિટીનો પણ સમાવેશ કરવામાં આવે છે ત્યાં પાછલાં બે દિવસથી તુલનાત્મક રીતે ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. 24મી જૂનના રોજ અમદાવાદ જિલ્લામાં 215 અને 23મી જૂનના રોજ 235 કેસ નોંધાયાં હતાં. મે અને જૂન મહિનાના પ્રથમ 20 દિવસોમાં રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસના કુલ આંકડામાં અમદાવાદ જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધુ હતી. જોકે પાછલાં બે દિવસમાં રાજ્યમાં કુલ 1112 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે.
જોકે અમદાવાદ જિલ્લા કે જેમાં અમદાવાદ સિટીનો પણ સમાવેશ થાય છે ત્યાં બે દિવસમાં 450 કેસ કોરોના પોઝિટિવ નોંધાયાં છે. અગાઉના દિવસોની સરખામણીમાં અમદાવાદ જિલ્લા કોરોના પોઝિટિવ કેસ તુલનાત્મક રીતે ઘટ્યાં છે. મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ બાદ સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાયાં છે. રાજ્યમાં 24મી જૂન સુધીમાં 29,001 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. જે પૈકી 1736 દર્દીઓના મોત નીપજ્યાં છે અને 21,096 દર્દીઓ સારવાર લઈ સ્વાસ્થ થઈને પાછા ઘરે ચાલ્યાં ગયાં છે. હાલ ગુજરાતમાં કોરોના પોઝિટિવ એક્ટિવ દર્દીઓની સંખ્યા 6169 છે.