અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં કોરોના કેસ વધી રહ્યા હતા, ત્યારે અમરેલી જિલ્લામાં કોરોના એક પણ કેસ નોંધાયો ન હતો અને ઘણો સુરક્ષિત માનવામાં આવતો હતો, ત્યારબાદ અમરેલી જિલ્લામાં 50.92 ટકા લોકોએ ગેરકાયદેેેસર રીતેે પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે.
અમરેલી જિલ્લામાં કુલ 1,09,532 લોકોએ પ્રવેશ મેળવ્યો હતો. જો કે, એ પૈકી માત્ર 53,749 લોકોએ જ જિલ્લાને જોડતી 39 ચેક પોઇન્ટથી પ્રવેશ મેળવ્યો છે. બાકી 55,783 લોકોએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લામાં પ્રવેશ મેળવનાર મોટાભાગના લોકો અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, જૂનાગઢ અને બોટાદ સહિતના હોટ-સ્પોટમાંથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, જિલ્લામાં પ્રવેશેલા 8698 પરિવારોને હોમ-ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર તરફે રજૂ કરવામાં આવેલી વિગતો પ્રમાણે અમરેલી જિલ્લાને જોડતા મુખ્ય માર્ગો પર 39 ચેક પોઇન્ટ પર ગેરકાયદેસર પ્રવેશ અટકાવવા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમને તૈનાત કરવામાં આવ્યા હતાં. જો કે, પોલીસ સ્ટાફ અને આરોગ્યના કર્મચારીઓના અપૂરતા સ્ટાફને લીધે તમામ માર્ગો પર પોલીસ કે ચેક પોઇન્ટ સ્થાપિત કરી શકાય નહીં. ચેક પોઇન્ટ પર પ્રવેશ મેળવનાર તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ જ તેમને અમરેલી જિલ્લામાં પ્રવેશ આપવામાં આવતો હતો.
ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવનારા લોકોને લીધે અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાવવાની શકયતા વધી ગઈ હોવાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કબૂલવામાં આવ્યું છે. પોલીસ અથવા આરોગ્યની ટીમને ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવનાર લોકોની જાણ થાય અથવા સર્વે કરવામાં આવે ત્યારે જ તેમનું ચેક-અપ થઈ શકશે. અમરેલી જિલ્લામાં પ્રવેશવા અને બહાર જવા માટે 1480 લોકોને પાસ આપવામાં આવ્યાં છે, જે 39 ચેક-પોઇન્ટનો ઉપયોગ કરી પ્રવેશ મેળવી શકશે.
અમરેલી જિલ્લા વહીવટીતંત્ર તેના તાબા હેઠળ આવતી તમામ સરકારી કચેરીઓમાં અન્ય જિલ્લામાંથી આવતા લોકો સાથે સંપર્ક મર્યાદિત રાખવાની સલાહ આપી છે. અમરેલી જિલ્લામાં 26મી જૂન સુધીમાં કોરોનાના કુલ 59 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, જે પૈકી 5 લોકોના મોત નીપજ્યાં છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 29 છે. નોંધનીય છે કે, અમરેલી જિલ્લો 15 લાખની વસ્તી ધરાવે છે. જેમાંં 615 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.
અમદાવાદથી રિપોર્ટર આકિબ છીપાનો અહેવાલ