- ચાઇનીઝ એપ્લિકેશન (CHINESE APP) થકી છેતરપિંડી
- અલગ-અલગ 6 એપ્લિકેશન મારફતે પડાવ્યા કરોડો રૂપિયા
- 28 હજાર લોકોના 50 કરોડ રૂપિયા થયા ચાઉં
- બેંક એકાઉન્ટ ધારક સહિત સાતની ધરપકડ
- ચાઇનાથી ચાલતું હતું સમગ્ર નેટવર્ક
અમદાવાદ: સાયબર ક્રાઇમ (CYBER CRIME) દ્વારા 6 હજાર રૂપિયાની છેતરપિંડીની અરજી અંગે તપાસ કરતા ચાઇનીઝ એપ્લિકેશન (CHINESE APP) થકી થતી 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ચાઇનીઝ એપ્લિકેશન થકી અલગ અલગ મોડસ ઓપરેન્ડીના આધારે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. પોલીસ તપાસમાં 28 હજાર લોકોએ રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.
રૂપિયા પડાવતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમએ પર્દાફાશ કર્યો
જ્યારે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ચાઇનીઝ એપ્લિકેશનમાં રોકાણ કરાવીને રૂપિયા પડાવતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ (AHMEDAABD CYBER CELL) એ પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારે રૂપિયા 6 હજારની છેતરપિંડી થઈ હોવાની અરજી આવી હતી. જોકે, તપાસ કરતા છેતરપિંડીનો આંકડો રૂપિયા 50 કરોડે પહોંચ્યો હતો.
ગ્રાહક વારંવાર પ્રયત્ન કરે તો એપ્લિકેશન બંધ કરી દેતા
આ ગેંગના આરોપીઓ સૌ પ્રથમ યુ ટ્યુબ ચેનલ, ટેલીગ્રામ ચેનલ તેમજ લોકોના મોબાઈલ પર ટેક્ષ મેસેજ કરીને લિંક મોકલતા, જે લિંક ઓપન કરતા જે તે એપ્લિકેશન ઓપન થાય છે. જેમાં ગ્રાહકોને અલગ અલગ બહાના હેઠળ રોકાણ કરવાની તગડું બોનસ આપવાની લાલચ આપતા. જો કોઈ ગ્રાહક રોકાણ કરે તો એપ્લિકેશન વેબસાઈટના વૉલેટમાં બેલેન્સ બતાવતા હોય છે અને કોઈ ગ્રાહક દ્વારા રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો ટેકનિકલી એરર આવી જતી હોય છે. અને જો કોઈ ગ્રાહક વારંવાર પ્રયત્ન કરે તો એપ્લિકેશન બંધ કરી દેતા.
આરોપી સોશિયલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરતો
સાયબર ક્રાઇમે તપાસ કરતા આ ગુનાના સાત આરોપી યાસીન કુરેશી, દિલીપ ગોજીયા, ધર્મેન્દ્ર સિંહ રાઠોડ, રાહુલ વાઢેર, જયેશ ગાગિયા, તુષાર ઘેટિયાની અગાઉ ધરપકડ કરી હતી. જ્યારે તપાસ દરમિયાન મહારાષ્ટ્રના જીતેન શાહનું નામ સામે આવ્યું હતું. જેની કંપનીના બેંક એકાઉન્ટમાં ત્રણ મહિનામાં 30 કરોડ રૂપિયા જમા થયા હતા. જેના બદલા અમુક ટકા કમિશન આપવામાં આવતું હતું. આ રીતે અન્ય આરોપીઓના એકાઉન્ટમાં પણ 20 કરોડ રૂપિયા જમાં થયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ સમગ્ર નેટવર્ક મૂળ ભારતીય વ્યક્તિ ચાઇના બેઠા બેઠા ચલાવતો હતો. જે સોશિયલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરતો હતો.
આ પણ વાંચો: જામનગરમાં 1.35 કરોડની છેતરપિંડી કેસમાં Nigerian couple સહિત એક શખ્સ ઝડપાયો
મોટા ભાગના રૂપિયા બિટકોઈનમાં રોકાણ કરવાંમાં આવતા
આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મોટા ભાગના રૂપિયા બિટકોઈનમાં રોકાણ કરવાંમાં આવતા હતા. જોકે, આ અગાઉ પણ એપ્લિકેશન થકી થતી છેતરપિંડીમાં લોકોએ 500 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં આવ્યું છે.
આ પણ વાંચો: સતત વધી રહ્યું છે સાયબર ક્રાઇમનું ગુનાખોરી પ્રમાણ જૂનાગઢમાં એક મહિનામાં નોંધાઈ 8 કરતાં વધુ ફરિયાદ