- 21મી સદીમાં દહેજ પ્રથાનું માત્ર સ્વરૂપ બદલાયું છે
- ન જાણે કેટલી આઇશાઓ અને કેટલીને ન્યાય મળતો હશે?
- અમદાવાદ અને સુરતમાં જ 2 વર્ષમાં 40થી વધુ યુવતિઓ ભોગ બની
અમદાવાદ: વર્ષ 2021માં ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાંથી મળેલો એક જવાબ આપણા સમાજને ખૂબ જ વરવી વાસ્તવિકતા બતાવે છે. વિધાનસભાની પ્રશ્નોત્તરીના જવાબમાંથી જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં દહેજના કારણે 3 વર્ષમાં 184 દીકરીઓએ આત્મહત્યા કરી છે. વર્ષ 2017-18 માં 74, વર્ષ 2018-19 માં 61 અને વર્ષ 2019-20માં 49 દિકરીઓએ આત્મહત્યા કરી છે. અહીં સૌથી ગંભીર વાત એ છે કે, આવી ઘટનાઓ સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં બની રહી છે.
અમદાવાદ અને સુરતમાં કેસ વધુ
મહત્વનું છે કે, દહેજને કારણે આત્મહત્યા કરનારી દીકરીઓના કિસ્સાઓ અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં વધુ નોંધાઇ રહ્યા છે. વર્ષ 2018-19માં અમદાવાદ શહેરમાં 16 અને 2019-20માં 11 દિકરીઓએ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ સામે આવી હતી. જ્યારે, સુરતમાં વર્ષ 2018-19 અને 2019-20માં 14-14 ઘટનાઓ બની છે.
દિકરીઓના સુખની ગેરન્ટીના નામે દહેજ?
મહિલાઓને મદદ કરતી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા મીનાક્ષીબેન જોશીનું કહેવું છે કે, 21મી સદીમાં દહેજ પ્રથાનું માત્ર સ્વરૂપ બદલાયું છે. આપણા સમાજ માટે ખૂબ જ કડવી વાસ્તવિકતા એ છે કે, હજી પણ સમાજમાં તેના મૂળિયા ખૂબ ઊંડે સુધી ઉતરેલા છે. દિકરીઓને જ જ્યારે પૂછવામાં આવે તો તે કહે છે કે, મારા માતા પિતાએ રાજી ખુશીથી બધુ આપ્યું છે અને માતા પિતા પણ દિકરીઓના સુખ ખાતર લગ્ન સમયે બધુ આપે છે. પણ શું આ બધું તેના સુખની ગેરન્ટી આપે છે?
આ પણ વાંચો: આયશા આત્મહત્યા કેસમાં પોલીસે આયશાના પતિ આરિફની રાજસ્થાનથી કરી ધરપકડ
ન જાણે કેટલી આઇશાઓ?
અમદાવાદના વટવાની એક દીકરી આઇશા મકરાણી કે જેણે સાસરી પક્ષથી કંટાળીને સાબરમતી નદીમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. તેણે આત્મહત્યા કરતા પહેલા પોલીસ સ્ટેશનમાં તેના સાસરી પક્ષથી દહેજની માંગણી સામે ગુનો દાખલ કરાવ્યો પણ અંતે તેણે આત્મહત્યા કરી લેતા સોશિયલ મીડિયા પર 'જસ્ટિસ ફોર આઇશા' ટ્રેન્ડ કરી ગયું હતું. આની સામે એક સવાલ એ પણ ઉભો થાય છે કે, ન જાણે આવી કેટલી આઇશાઓ હશે અને તે પૈકી કેટલી આઇશાને ન્યાય મળતો હશે?
આ પણ વાંચો: આયશા આત્મહત્યા કેસઃ ETV BHARATએ કેસ લડી રહેલા વકીલ સાથે વાત કરી
શું કહે છે આઇશાના પિતા?
આઇશાના પિતા લિયાકત અલી મકરાણીનું કહેવું છે કે, દહેજ સમાજ માટે ઉંધઈની જેમ છે. જે સમાજને અંદરથી ખાઈ રહી છે. મારી દીકરી દહેજના ભોગે લેવાઈ ગઈ. ગરીબ ક્યાંથી આ બધું લઈને આવે? હું અમીર વર્ગથી પ્રાર્થના કરું છું કે, તમે સાદગીથી લગ્ન કરો, દેખાવો ન કરો. કારણ કે દહેજ દેખાદેખીનું જ એક પરિણામ છે. આ દૂષણોને કારણે ગરીબની દીકરીઓ મરી રહી છે. એના કરતાં કોઈ ગરીબ દીકરીને મદદ કરો, તેને ભણાવો. મારી સમાજને એક જ પ્રાર્થના છે કે, હવે કોઈ આઇશા ન મરે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં મહિલા હેલ્પલાઈન અભયમે્ આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી
શું છે સજાની જોગવાઈ?
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોશિયેશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડાવરી પ્રોહીબિશન એક્ટ 1961 મુજબ પાંચ વર્ષની સજા અને 5 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો દહેજને કારણે કોઈ દીકરીનું મોત અથવા તે આત્મહત્યા કરી લે તો IPCની કલમ 304(B) અંતર્ગત 7 વર્ષની સજાથી લઇને આજીવન કેદની સજાનું પ્રાવધાન છે.