મુંબઈ : કારોબારી સપ્તાહના પ્રથમ બે દિવસ ભારતીય શેરબજારમાં ભારે એક્શન જોવા મળી હતી. ત્યારે આજે 10 જાન્યુઆરી, બુધવારના રોજ બજાર રેડ ઝોનમાં સપાટ ખુલ્યું છે. BSE Sensex 3 પોઈન્ટ ઘટીને 71,383 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 16 પોઈન્ટના ઘટાડા સાથે 21,529 પર ખુલ્યો હતો. આજે શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. કારણ કે વૈશ્વિક સંકેતો મિશ્રિત છે. GIFT નિફ્ટી મામૂલી ઘટાડા સાથે 21550 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જ્યારે એશિયન અને અમેરિકન વાયદા બજારોમાં મિક્સ ટ્રેડ છે.
વૈશ્વિક બજાર : DOW 157 પોઈન્ટ તૂટ્યો જ્યારે નાસ્ડેક 13 પોઈન્ટ વધ્યો છે. મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ક્રૂડ ઓઈલમાં ધડાકો થયો છે. બ્રેન્ટ 78 ડોલરની નજીક છે. સોમવારના રોજ 8% ઘટ્યા બાદ બોઇંગના શેરમાં ગઈ કાલે વધુ 1.5% ઘટાડો નોંધાયો છે. FED સભ્યો તરફથી મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા છે. FED ના એક સભ્યએ કહ્યું કે, નીતિમાં સખ્તી જાળવવી જરૂરી છે, જ્યારે બીજા સભ્ય માને છે કે રેડમાં કટોતીનો સમય શરૂ થવાનો છે.
IPO અપડેટ : ગતરોજ શરૂ થયેલા જ્યોતિ CNC IPO સબ્સ્ક્રિપ્શનનું પ્રથમ દિવસનું સ્ટેટસ. પ્રથમ દિવસે QIB કેટેગરીમાં 0.02 ગણા, NII કેટેગરીમાં 3.63 ગણા અને રિટેલ કેટેગરીમાં 8.25 ગણા એમ કુલ 2.5x સબ્સ્ક્રિપ્શન થયા છે. આજે IPO સબ્સ્ક્રિપ્શનનો બીજો દિવસ છે.
ગ્લોબલ કોમોડિટી માર્કેટ : ઉથલપાથલ વચ્ચે કાચા તેલમાં 2%નો વધારો થયો છે. મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે ત્યારે લિબિયામાંથી ક્રૂડ સપ્લાય પર અસર થવાની ભીતિ છે. Houthi મિલિશિયાએ લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. લિબિયાના 3 લાખ BPD ક્ષમતા વાળી શરારા ઓઇલ ફિલ્ડમાં કામ અટકી ગયું છે. નેચરલ ગેસ 8 અઠવાડિયા પછી 3 ડોલરને પાર થયો છે. સોનું 3.5 સપ્તાહના નીચા સ્તરે છે તથા બેઝ મેટલની નબળી સ્થિતિ છે.