કોલકાતા: સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ)ના અધ્યક્ષ રજનીશ કુમારે ગુરુવારે કહ્યું કે, સિસ્ટમમાં પૂરતી રોકડ ઉપલબ્ધ છે અને વ્યાજ દર પણ ઘણી હદ સુધી નીચે આવી ગયા છે.
ભારત ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા આયોજીત એક વેબિનારમાં કુમારે કહ્યું હતું કે, માહામારીને કારણે આરબીઆઈ અને સરકારે પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઘણાં પગલાં લીધાં છે.
તેમણે કહ્યું, "સરકાર અને આરબીઆઈએ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા પગલાં લીધાં છે."
કુમારે કહ્યું કે, આરબીઆઈ ઝડપથી પરિસ્થિતિને અનુરૂપ પગલા લઈ રહ્યું છે અને ખાતરી આપી છે કે સિસ્ટમમાં પૂરતી તરલતા છે. તેમના મતે, વ્યાજ દર પણ ઘણી હદ સુધી નીચે આવી ગયા છે.
તેમણે કહ્યું કે, સરકારે પ્રત્યક્ષ બેન્ક સ્થાનાંતરણ પર મોટો ભાર મૂક્યો છે, એમએસએમઇને મદદ કરી છે અને અનુકૂળ રોકાણનું વાતાવરણ બનાવવા માટે કૃષિ, સંરક્ષણ અને ખાણકામ ક્ષેત્રમાં સુધારાની જાહેરાત કરી છે.
એસબીઆઈ અંગે તેમણે કહ્યું કે બેન્કે ઇમરજન્સી ગેરંટી ક્રેડિટ લાઇન હેઠળ બે લાખ એમએસએમઇની લોન અરજીઓને મંજૂરી આપી છે. એમએસએમઇ આ કટોકટીનું સંચાલન ખૂબ સારી રીતે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કાર્યકારી મૂડીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.