નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO )માં જોડાનારા ચોખ્ખા નવા લોકોની સંખ્યા આ વર્ષે માર્ચમાં ઘટીને 5.72 લાખ થઈ ગઈ છે, જે એક મહિના પહેલા 10.21 લાખ હતી. ઇપીએફઓ જોબ ડેટા હકીકતોને દર્શાવે છે. આ સંગઠિત ક્ષેત્રમાં રોજગારના દૃશ્ય વિશે માહિતી આપે છે.
ઇપીએફઓ (EPFO)ના ડેટા મુજબ, જોકે, નાણાંકીય વર્ષ 2019-20માં નવા લોકોની સંખ્યા વધીને 78.58 લાખ થઈ ગઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં 61.12 લાખ હતી. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એપ્રિલ 2018થી નવી નોંધણીના ડેટા પ્રકાશિત કરી રહી છે.
માહિતી અનુસાર, સપ્ટેમ્બર 2017થી માર્ચ 2020 દરમિયાન નવા લોકોની નોંધણીની સંખ્યા 1.55 કરોડ હતી. સપ્ટેમ્બર 2017થી માર્ચ 2018 દરમિયાન નવી નોંધણીની કુલ સંખ્યા 15.52 લાખ હતી. ઇપીએફઓએ જણાવ્યું હતું કે, 'પેરોલ' ડેટા કામચલાઉ છે કેમકે કર્મચારીઓના રેકોર્ડ્સને અપડેટ કરવાનું કામ એક સતત પ્રક્રિયા છે અને આવનારા મહિનાઓમાં તેને સુધારવામાં આવશે.
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન અનુસાર, "સરકારે 25 માર્ચથી લોકડાઉન કરવાની ઘોષણા કરી હતી. તે મુજબ, માર્ચ મહિના માટે ઇસીઆર (પીએફ રીટર્ન) ભરવાની તારીખ 15 મે 2020 સુધી વધારી દેવામાં આવી હતી."