નવી દિલ્હીઃ કોરોના અને લોકડાઉનને લીધે ઘણી રેટિંગ એજન્સીઓ આ પહેલા પણ આ પ્રકારના આકારણીઓ સતત કરી ચૂકી છે, પરંતુ રિઝર્વ બેંક જીડીપી પર કોઈ અંદાજ આપવાનું ટાળી રહી હતી. જો કે, હવે RBI પણ સહમત થઈ છે કે, ચાલું વર્ષે ભારતનો GDP ગ્રોથ નેગેટિવ રહેશે.
કોરોનાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે નાણાંકીય નીતિ સમિતિ (એમપીસી)ની એક બેઠક મળી હતી. આ બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસે 22 મે શુક્રવારે અનેક ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે, નાણાકીય વર્ષ 2021માં ભારતનો જીડીપી ઘટશે, જે નકારાત્મક રહી શકે છે.
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને મોદી સરકારે લગભગ 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આ આર્થિક પેકેજની વિગતોની માહિતી આપવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રો પર ભાર મુકવામાં આવ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસે રેપો રેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. આ કપાત બાદ આરબીઆઈનો રેપો રેટ 4.40 ટકાથી ઘટાડીને 4 ટકા થયો છે. આ સાથે લોનના હપ્તા પર 3 મહિનાની વધારાની છૂટ આપવામાં આવી છે. મતલબ કે, જો તમે આગામી 3 મહિના માટે તમારી લોનની ઇએમઆઈ નહીં આપો, તો બેંક દબાણ નહીં કરે.