મંગળવારે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. NSE મિડકેપ ઈન્ડેક્સ 205 પોઈન્ટ અને NSE સ્મોલકેપ ઈન્ડેક્સ 42 પોઈન્ટ વધ્યા હતા. તાતા ગ્રુપના શેરોમાં જોરદાર લેવાલીથી લાલચોળ તેજી થઈ હતી.
શેરબજારમાં મંગળવારે ચાર કારણોસર નવી લેવાલીથી તેજી થઈ હતીઃ
(1) અમેરિકા-ચીન વેપાર ચર્ચા
અમેરિકા-ચીન વચ્ચેની વેપાર ચર્ચા પોઝિટિવ વેવમાં થઈ રહી હોવાના સમાચાર મળતાં શેરબજારમાં નવી લેવાલી આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ નિર્ધારિત સમયથી પહેલા ચીન સાથે વેપાર ચર્ચાના અતિમહત્વના હિસ્સા પર સંમતિ સંઘાવાની આશા છે. જો કે તેમણે સમયનો ઉલ્લેખ નહોતો કર્યો હતો. જો કે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચે આંશિક વેપાર ચર્ચા પર સહમતિ સંઘાઈ છે. જો પેઈચિંગ 50 અબજ ડૉલરના અમેરિકી ખાદ્ય પદાર્થોને ખરીદવાનો વાયદો પુરો કરશે તો અમેરિકા ચીની સામાનો પર આગામી ડ્યૂટીને ટાળવાની સમંતિ દર્શાવી છે.
(2) કંપનીઓના પ્રોત્સાહક પરિણામ
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક પરિણામોમાં સુધારો આવ્યો છે. જગુઆર તથા લેન્ડરોવરના વેચાણમાં વધારો થયો છે. જેથી તાતા મોટર્સ સહિત તાતા ગ્રુપના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. કંપનીના પ્રમોટરો તાતા સન્સ 6500 કરોડ રૂપિયા ઈક્વિટીમાં રોકાણ કરવા જઈ રહ્યા છે. આ જાહેરાતથી કંપનીના શેરોમાં 32 ટકા સુધીની તેજી આવી હતી. તે સિવાય અન્ય કંપનીઓના ત્રિમાસિક પરિણામો ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બીજા ત્રિમાસિક પરિણામોમાં નફો ત્રણ ગણો વધીને આવ્યો છે. આ સમાચાર પાછળ શેરબજારનું સેન્ટિમેન્ટ બુલિશ થયું છે.
(3) એક વધુ ટેક્સ રાહત
શેરબજારના રોકાણકારો માટે સરકાર દ્વારા એક વધુ ટેક્સમાં રાહત આવવાના સમાચાર આવતાં શેરબજારમાં નવી ખરીદી નિકળતાં તેજીનો ટોન જોવાયો હતો. સુત્રોના કહેવા મુજબ વડાપ્રધાન કાર્યાલય અને નાણા મંત્રાલય કાર્યલય દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ, સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ અને ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સના માળખા અંગે ચર્ચા થઈ રહી છે. આ નિર્ણયની જાહેરાત ફેબ્રુઆરીમાં આવનાર બજેટ પહેલા જ થશે.
(4) વિશ્લેષકારો તેજીમાં
ટેકનિકલ એનાલીસ્ટોના જણાવ્યા અનુસાર દીવાળીના મુહૂર્તના સોદા તેજીના વાતાવરણ થયા હતા અને સેન્સેક્સ 39,500 અને નિફટી 11,500 કૂદાવતા માર્કેટ બુલિશ ઝોનમાં આવ્યું છે. આથી આગામી દિવસોમાં દરેક ઘટાડે નવી લેવાલી આવ્યા કરશે.