હૈદરાબાદ: ભારતીય મૂળનો અને 'લૂમ' સ્ટાર્ટઅપનો કો-ફાઉન્ડર વિનય હિરેમથે તેના એક સ્ટેટમેન્ટથી સમગ્ર ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. તેણે તાજેતરમાં શેર કરેલા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, "હું ધનિક છું પરંતુ મારા જીવન સાથે શું કરવું તેની મને સમજણ નથી પડી રહી.'
ઇન્ટરનેટ પર થયેલા તેના ટ્વિટ બાદ તે ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઉપરાંત વિનયે એક બ્લોગ પણ લખ્યો છે જેમાં તેણે તેની સમગ્ર મૂંઝવણ વિશે વાત કરી છે.
વિનયે બ્લોગમાં લખ્યું છે કે, "છેલ્લા એક વર્ષથી મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. મારી કંપની વેચ્યા પછી, હું મારી જાતને સંપૂર્ણપણે કોઈ અલગ જ પરિસ્થિતિમાં જોઉં છું જ્યાં મારે ફરી ક્યારેય કામ કરવું ન પડે. બધું એક બાજુની શોધ જેવું લાગે છે, પરંતુ પ્રેરણાદાયક રીતે નહીં. મને ન તો પૈસા કમાવવાની ઈચ્છા છે કે ન કોઈ પદ મેળવવાની ઝંખના. મારી પાસે અમર્યાદિત સ્વતંત્રતા છે, છતાં મને ખબર નથી કે તેની સાથે શું કરવું, અને સાચું કહું તો હું હવે મારા જીવન વિશે બહુ આશાવાદી નથી."
આ વિનય હિરેમથ છે કોણ?
વિનય હિરેમથ ભારતીય મૂળનો 'લૂમ' નામક સ્ટાર્ટઅપનો કો-ફાઉન્ડર છે. જે તેને 2023 માં ઓસ્ટ્રેલિયાની એક સોફ્ટવેર કંપનીને 975 મિલિયન ડોલરમાં વેચી દીધી હતી.
વિનયના કરિયર વિશે આટલું જાણો: ફોર્બ્સની એક રિપોર્ટ મુજબ, વિનયે તેના કરિયરના શરૂઆતના દિવસોમાં ફેસબુકમાં સોફ્ટવેર એન્જીનીયર ઇન્ટર્ન તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેણે 2012માં 'બેકપ્લાન' નામના સ્ટાર્ટઅપમાં કામ કર્યું, જ્યાં તેના કહેવા પ્રમાણે તે (hack) 'હેક' કરવાનું શીખ્યો. આ ઉપરાંત આ એ જ જગ્યા છે જ્યાં તે તેના સ્ટાર્ટઅપ 'લૂમ'ના કો-ફાઉન્ડર શાહીદ ખાનને મળ્યો.
સપ્ટેમ્બર 2013માં, વિનય હિરેમથે 'અપથેર' નામના બીજા સ્ટાર્ટઅપમાં જોડાયો. છેલ્લે 2015માં શાહિદ ખાન અને જો થોમસ સાથે મળીને તેણે 'લૂમ' સ્ટાર્ટઅપ શરૂ કર્યું. અને અંતે 2023માં તેણે આ સ્ટાર્ટઅપને વેચી દીધું.
આખરે આ 'લૂમ' સ્ટાર્ટઅપ છે શું?
'લૂમ' એક વિડિયો-મેસેજિંગ પ્લેટફોર્મ છે જે પોતાને "સૌથી સરળ સ્ક્રીન રેકોર્ડર" તરીકે ગણાવે છે ઉપરાંત "સ્ક્રીન રેકોર્ડર કરતાં ઘણું વધારે" તરીકે પણ વર્ણવે છે. વિશ્વભરની 400,000 કંપનીમાં તેના 25 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. લૂમ વપરાશકર્તાઓને તેમના સાથીદારો અને ગ્રાહકો સાથે AI-સંચાલિત વિડિઓઝ રેકોર્ડ અને શેર કરવાની સુવિધા આપે છે.
પોતાના વિશે જણાવતા વિનય હિરેમથે તેના બ્લોગમાં લખ્યું છે કે, તે કેપિટલિઝમ (મૂડીવાદ) વિચારધારામાં માને છે. તે દરરોજ કોલ્ડ પ્લન્જ/સૌના જેવી થેરાપી કરે છે અને દરરોજ ધ્યાન (meditation) પણ કરે છે. આ ઉપરાંત તેને મોટરસાયકલ ચલાવવી, બોક્સિંગ કરવી, વજન ઉંચકવું, મુસાફરી કરવી, પાર્ટી કરવી અને જીવનના તમામ ક્ષેત્રના લોકોને મળવું ખૂબ ગમે છે.
અહીં વિચારવા જેવી બાબત એ છે કે, સામાન્ય માણસ જે વસ્તુઓ માટે ઈચ્છા રાખે છે તેમજ જે તમામ સુખ સુવિધા માટે રોજ મથે છે તેવી તમામ વસ્તુઓ અને સુખ સુવિધા વિનય પાસે છે. તેના પાસે અઢળક પૈસા છે પરતું જીવનમાં હવે આગળ શું કરવું તેની મૂંઝવણ અનુભવી રહ્યો છે. તે પોતાને દિશાહીન ગણાવી રહ્યો છે છતાં તે પ્રયત્નો કરી રહ્યો છે. તેના બ્લોગમાં તેણે અંતે અમુક પ્રશ્નો પૂછાતા લખ્યું છે કે,
કેટલાક પ્રશ્નોના હજુ પણ ઉત્તર મળવાના બાકી છે:
- આ ક્ષણ સુધી પહોંચવા માટે મારે શા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર હતી?
- શા માટે હું ફક્ત લૂમ છોડી શકતો નથી અને કહી શકતો નથી કે "મને ખબર નથી કે મારે આગળ શું કરવું છે"?
- શા માટે મને જીવવાનો પ્રવાસ ભવ્ય હોવો જોઈએ તો જ માને તેમાં મજા આવશે તેવું લાગે છે?
- ઉપયોગી ન હોવામાં ખોટું શું છે?
- શા માટે લોકોને નિરાશ કરવા આટલા મુશ્કેલ છે?
અંતે વિનય લખે છે કે, મને ખબર નથી. પણ હું આ પ્રશ્નો શોધવા જઈ રહ્યો છું.
આ પણ વાંચો: