ગાંધીનગર: રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને ‘સ્માર્ટ હોમ્સ’ માં રૂપાંતરિત કરીને તેમને ડિજિટલી સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસિસ પૂરી પાડવામાં આવશે.
પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ
રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર-ટુ-ફેમિલિ) પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત GFGNL દ્વારા, ગ્રામીણ વિસ્તારના ઘરોને સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ-એડેડ-સેવાઓ (VAS) જેવી કે વાઇ-ફાઇ સેવા, કેબલ TV (ફ્રી-ટુ-એર અને પેઇડ ચેનલ્સ), ઓ. ટી. ટી. (ઓવર-ધ-ટોપ ટેલિવિઝન) અને ગેમિંગનો આનંદ મળી રહે તે હેતુથી, વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆતમાં 25,000 FTTH (ફાઈબર-ટુ-હોમ) જોડાણ આપવામાં આવશે. ત્યારબાદ, ભવિષ્યમાં આ જોડાણો વધારવામાં આવશે અને વધુને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને તેનો લાભ આપવામાં આવશે.
આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ સ્ટેક, ગવર્મેન્ટ ટુ સિટિઝન્સ (G2C) જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, ઓનલાઇન એજ્યુકેશન (ઇ-એજ્યુકેશન), કૃષિ કે ખેતીવાડી માટે IoT સોલ્યુશન્સ, ઇ-એગ્રીકલ્ચર, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે ઇ-હેલ્થ અને ટેલિ-મેડિસિન્સ જેવી સેવાઓ પણ ઘરબેઠા જ ઉપલબ્ધ થઈ શકશે.
ગામડાના ઘરોને બનાવાશે સ્માર્ટ
આ પહેલ દ્વારા ગ્રામીણ ઘરોને ડિજિટલી સશક્ત બનાવીને ‘સ્માર્ટ હોમ્સ’ રૂપાંતરિત કરવામાં આવશે. આ પહેલ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે તેમજ ગુજરાતના ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારને સમકક્ષ સેવા, લાભો અને તકો પ્રદાન કરી શકાશે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સુલભ ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે ચાર નવી પહેલો
આ પહેલોમાં હર ઘર કનેક્ટિવિટી (ફાઈબર-ટુ-ફેમિલી) પહેલ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી - ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ પહેલ, ફાઈબર-ટુ-ફાર ફ્લંગ ટાવર્સ’ પહેલ, તેમજ શહેરી કક્ષાએ કનેક્ટિવિટીની પહેલનો સમાવેશ થાય છે. આ પહેલ હેઠળ, રાજ્યના ગ્રામ્ય પ્રજાજનોને સરળતાથી ડિજિટલ કનેક્ટિવિટી મળે તે હેતુથી ગ્રામીણ સરકારી કચેરીઓને ભારતનેટ નેટવર્ક થકી રાજ્યના પાટનગર ગાંધીનગર સાથે જોડવામાં આવશે, જે ઇ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત, GFGNL શહેરી વિસ્તારોમાં પણ સરકારી કચેરીઓ માટે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
આ પણ વાંચો: