વલસાડ: ધરમપુરનાં આવધા ગામના યુવકનો જન્મ દિવસ હોવાથી તે મિત્રો સાથે બાઈક પર ઉજવણી કરવા માટે દમણની સેલગાહે ગયા હતા. ઉજવણીને કરીને બાઈક ઉપર તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે મોતીવાડા બ્રિજ પર એક ડમ્પર ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ તેનું મૃત્યું નીપજ્યું હતું, અને જન્મદિવસે જ યુવકની જિંદગી છીનવાઈ ગઈ હતી. યુવકના મોતના પગલે તેના પરિવારજનોમાં અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ છે.
જન્મ દિવસે જ મળ્યું મોત
પારડી તાલુકાના મોતીવાડા ગામના રેલવે ઓવરબ્રીજ ઉપર રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં ધરમપુરના આવધા ગામે રહેતા વિશાલ સુરેશભાઇ મોંકાસી નામના 18 વર્ષના યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના 18 વર્ષના મિત્ર અંકિત કરસન મોકાસીને ગંભીર રીતે ઈજાઓ થઈ છે.
યુવાનના માથા ઉપરથી ફરી વળ્યું ડમ્પરનું ટાયર
ધરમપુરના આવધા ગામે રહેતો વિશાલ મોંકાશી તેના 10 જેટલા મિત્રો સાથે પાંચ બાઈક લઈને દમણ ખાતે પોતાનો જન્મદિવસ મનાવવા માટે ગયો હતો. જન્મદિવસની ઉજવણી કરીને તેઓ મિત્રો સાથે પરત ધરમપુર ફરી રહ્યાં હતાં ત્યારે વિશાલ અને અંકિતની બાઇકને મોતીવાડા રેલ્વે ઓવરબ્રિજ ઉપર એક ડમ્પરે અડફેટમાં લીધા હતા. અકસ્માતમાં વિશાલના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતા વિશાલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અંકિત નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો,
સ્થાનિકો આવ્યા મદદે
અકસ્માત થતાં આજુબાજુના રહીશો અને રાહદારીઓ ભેગા થઈ ગયા હતાં અને 108 મારફતે ગંભીર રીતે ઘાયલ અંકિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અવાર-નવાર થતાં અકસ્માતોને પગલે સ્થાનિકોએ તંત્ર પાસે સ્ટ્રીટ લાઈટ તેમજ દિશાસૂચક બોર્ડ લગાવવાની માંગ કરી છે
સ્ટ્રીટ લાઈટના અભાવે અગાઉ પણ અકસ્માતની ઘટના
મોતીવાડા રેલવે બ્રિજ બન્યા બાદ મોટાભાગે દમણ જનારા લોકો આ રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરે છે, સાથે જ પલસાણા ગામમાં રહેતા ઘણા લોકો રોજિંદા આવન જાવન માટે આ બ્રિજનો ઉપયોગ કરતા આવ્યા છે, પરંતુ આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે રાત્રિ દરમિયાન લોકોને આવાગમન માટે મુશ્કેલી પડે છે. અંધારાના સમયમાં અનેક અકસ્માતો અગાઉ પણ સર્જાઇ ચૂક્યા હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.