અમદાવાદ: દર વર્ષે અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે રીવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થતી હોય છે, દેશ-વિદેશમાંથી આંતરરાષ્ટ્રીય પતંગબાજો આવીને અહીં પતંગ ઉડાડતા હોય છે. ત્યારે શહેરમાં આ વખતે પણ આગામી 11 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે આવો જાણીએ કે આ વખતે શું ખાસ રહેશે ?
11 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થશે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં તારીખ 11 જાન્યુઆરીએ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025નો પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ શહેરના સાબરમતી નદીના કાંઠા પર તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવશે.
![આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ( ફાઈલ તસ્વીર)](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-01-2025/gj-ahd-07-patang-mahotsav-2025-photo-story-7212445_08012025133814_0801f_1736323694_920.jpg)
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી રાજ્યના પ્રવાસનને વેગ મળે છે
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને વધુ પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લે અને રાજ્યના સ્થાનિક મેળાઓ-ઉત્સવો લોકોમાં વધુ પ્રચલિત બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે મેળાઓ અને ઉત્સવોના આયોજન થકી રાજ્યની કલાસંસ્કૃતિ, હસ્તકલા, સ્થાપત્ય, ધાર્મિક અને જોવાલાયક સ્થળોને લોકભોગ્ય બનાવવામાં આવ્યા છે.
મુખ્ય હાઇલાઇટ્સ
- ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે
- ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
- આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયો માંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે
- ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે
- ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવાનો ઉદેશ્ય
ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.
![દેશ-વિદેશમાંથી લોકો આવે છે પતંગ મહોત્સવમાં ભાગ લેવા ( ફાઈલ તસ્વીર)](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-01-2025/gj-ahd-07-patang-mahotsav-2025-photo-story-7212445_08012025133814_0801f_1736323694_821.jpg)
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજન
લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે.
![દર વર્ષે અમદાવાદમાં થાય છે આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલ ( ફાઈલ તસ્વીર)](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-01-2025/gj-ahd-07-patang-mahotsav-2025-photo-story-7212445_08012025133814_0801f_1736323694_361.jpg)
અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ સવારે 9 વાગ્યે ઉદ્ઘાટન
આ વર્ષે તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે યોજાશે.
શિવરાજપુર અને ધોરડોમાં પણ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો, 12 જાન્યુઆરી 2025 ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 2025’નું આયોજન કરવામાં આવ્યું છે.
![11 જાન્યુઆરીથી અમદાવાદમાં શરૂ થશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-01-2025/gj-ahd-07-patang-mahotsav-2025-photo-story-7212445_08012025133814_0801f_1736323694_125.jpg)
47 દેશના 143 પતંગબાજો આવશે
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયો માંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના મુખ્ય આકર્ષણો
ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે.
‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.