અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર વધુ જંગી બનશે, તેવી આશંકાને પગલે ગત મોડી રાત્રે અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ 2 ટકા તૂટ્યો હતો, ડાઉ જોન્સમાં વર્ષનો બીજો સૌથી મોટો કડાકો હતો. નેસ્ડેક પણ 1.50 ટકાથી વધુ તૂટયો હતો. જે સમાચાર પાછળ આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ગાબડા સાથે ખુલ્યા હતા. અમેરિકા-ચીન અને અમેરિકા- ઈરાન વચ્ચેની તંગદિલીને કારણે પણ વિશ્વના સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ ફેલાયો છે.
આજે સવારે ભારતીય શેરબજાર ગેપમાં ખુલ્યું હતું. તેજીવાળાઓએ જોરદાર વેચવાલી કાઢી હતી. લોકસભાની ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન બાકી છે અને 23 મેના રોજ પરિણામ આવશે, જેમાં અનિશ્ચિતતા છે. તેથી પણ તેજીવાળા સાવેચત બન્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે, 19 મે પછી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે, જે બધા સમાચાર નેગેટિવ હતા, આથી રિલાયન્સની આગેવાની હેઠળ શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી અને ભાવોમાં નોંધપાત્ર ગાબડા પડ્યા હતા.
આજે રિલાયન્સ(3.57 ટકા), બજાજ ફાઈનાન્સ(3.56 ટકા), ટાટા મોટર્સ(2.83 ટકા), બજાજ ઓટો(2.55 ટકા) અને એસબીઆઈ(2.40 ટકા) સૌથી વધુ ગગડ્યા હતા.