અમદાવાદઃ ગુજરાતમાં JIOના લોન્ચ બાદ બે ક્વાર્ટર સુધી તો નેગેટિવ રેવન્યૂ નોંધાઈ હતી, પરંતુ શ્રેષ્ઠ અને પોસાય તેવી સેવાઓના પરિણામે ધીમી છતાં મક્કમ ગતિએ જિઓની આવકમાં વધારો નોંધાયો અને ગુજરાતમાં આજે તે રૂ.920 કરોડે પહોંચી છે.
એક સમય હતો જ્યારે ગુજરાતમાં લોકોના મોબાઇલ બિલ રૂ.1200થી 1500 સુધી આવતા હતા અને તેમાં પણ વોઇસ સર્વિસનો ફાળો 70 ટકા જેટલો હતો. JIOના લોન્ચ પછી દર મહિને લોકોના મોબાઇલ બિલ ઘટીને સરેરાશ રૂ.250 સુધી આવી ગયા છે અને તેમાં પણ વોઇસ સર્વિસનો હિસ્સો નગણ્ય રહ્યો છે.
આજે એ સ્થિતિ છે કે, ગુજરાતમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રી દ્વારા જે આવક નોંધાય છે. તેમાં JIO અડધો અડધ હિસ્સો ધરાવે છે. JIO અત્યારે ગુજરાતમાં માર્કેટ લીડર જ નથી. પરંતુ ચાર ઓપરેટર્સમાં તે 49 ટકાનો રેવન્યૂ માર્કેટ શેર ધરાવે છે.
ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવ્યું છે કે, 31 માર્ચ 2020ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળા સાથે સરખામણી કરવામાં આવે તો 30 જૂન 2020ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં માત્ર JIOએ એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)માં વૃદ્ધિ નોંધાવી છે. આ અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, તમામ ટેલિકોમ કંપનીની એજીઆર અથવા આવક પાંચ ટકા ઘટીને કુલ રૂ.1880 કરોડ રહેવા પામી છે.
આ સમયગાળા દરમિયાન એટલે કે જૂનમાં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં JIOની આવક 16 ટકા વધીને રૂ.920 કરોડ થઈ છે. ટ્રાઈના અહેવાલમાં BSNLની નાણાકીય સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગની આવકમાં JIOનો હિસ્સો 49 ટકા, ત્યારબાદ વોડાફોન, આઇડિયાનો હિસ્સો 32 ટકા અને એરટેલનો હિસ્સો 14 ટકા રહ્યો છે.