નવી દિલ્હી: મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે કે કોવિડ -19 ને કારણે ભારતમાં ડિજિટાઇઝેશન વધશે અને વધુ લોકો ઑનલાઇન ખરીદી કરશે. ઉપરાંત, મોર્ગન સ્ટેનલીએ દેશમાં ઇન્ટરનેટનો વપરાશ વધારવા અને ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે રિલાયન્સ જિઓની 4 જી ટેલિકોમ સેવાઓને શ્રેય આપ્યો હતો.
મોર્ગન સ્ટેલ્નીએ 'ભારતની ડિજિટલ ઇકોનોમી ઇન એ પોસ્ટ કોવિડ -19 વર્લ્ડ' નામની 53 પાનાનો રિપોર્ટમાં જણાવ્યું છે કે કરિયાણાના વ્યવસાયમાં ઑનલાઇન પ્રવેશ વધશે અને ઘણી સુપર એપ્સ આ પ્રક્રિયાને વેગ આપશે.
ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા 30 ટકા લોકો ઓનલાઇન શોપિંગ કરે છે, જ્યારે આ આંકડો ચીનમાં 78 ટકાથી વધુ અને અમેરિકામાં 70 ટકા છે.
મોર્ગન સ્ટેનલીએ અનુમાન કર્યું છે કે ભારતના 67 કરોડ ઇન્ટરનેટ વપરાશકારો 2027 સુધીમાં વધીને 91.4 કરોડ થશે અને ઑનલાઇન શોપર્સની સંખ્યા 19 કરોડથી વધીને 59 કરોડ થઈ જશે. ઑનલાઇન ખરીદી દરમિયાન વપરાશકર્તા દીઠ સરેરાશ ખર્ચ પણ બમણો થઇને 318 ડૉલરનો અનુમાન છે.
મોર્ગન સ્ટેનલીએ કહ્યું, "સપ્ટેમ્બર, 2016 માં રિલાયન્સ જિઓ દ્વારા 4 G ટેલિકોમ્યુનિકેશન સેવાઓની રજૂઆત સાથે ભારતમાં ડિજિટલ અર્થવ્યવસ્થામાં તેજી આવી. સાથે જ ઝડપી, વિશ્વસનીય, સસ્તી 4 G સેવાઓના વિકલ્પને કારણે આ ડેટા વપરાશમાં વધારો થયો."
મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે કોવિડ -19 એ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લગતી કેટલીક આશંકાઓ પર કાબૂ મેળવ્યો છે અને આનાથી ભારતમાં ઑનલાઇન વ્યવહાર (જેમ કે ઈ-કૉમર્સ અને પેમેન્ટ) માં વેગ આવી શકે છે.