નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનધારકોને સરકારે મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. આ અગાઉ રાજ્ય સભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે, માર્ચ મહિનાની સેલેરી સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું મળશે.
સરકારે 3 કરોડ ઈન્ડસ્ટ્રિયલ કર્મચારીના પગાર વધારવાનો ફોર્મ્યુલા બદલી નાખ્યો છે. હવે આ કર્મચારીનો પગાર 6 મહિના પર વધશે. આ માટે દર 6 મહિને Consumer price index (CPI)ના આંકડા લેવામાં આવશે. સરકારે આ સાથે જ નવા બેઝયર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ આ ફોર્મ્યુલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness Allowance, DA)ના કેલક્યુલેશનમાં લાગુ થશે. સરકારી કર્મચારીઓના DA એક્સપર્ટ હરીશંકર તિવારીએ જણાવ્યું કે, બેઝયર બદલવાથી DAનું કેલ્ક્યુરેશન નવી ઢબે થશે. આ પહેલા બેઝયર 2001 હતું અને હવે તેને વધારીને 2016 કરવાનો નિર્ણય લેવાયો છે.
મોંઘવારી ભથ્થું એક એવી રકમ છે જે દેશના સરકારી કર્મચારીઓના ખાણી-પીણી અને રહેણી-કરણીના સ્તરને સારૂં બનાવવા માટે અપાય છે. સમગ્ર દુનિયામાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાન એવા દેશો છે, જ્યાં સરકારી કર્મચારીઓને આ ભથ્થું મળે છે. મોંઘવારી વધવા છતાં કર્મચારીઓની રહેણી-કરણીના સ્તરમાં પૈસાના કારણે સમસ્યા ન થાય તે માટે આ રકમ અપાય છે. આ રકમ સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને મળે છે.
મોંઘવારી ભથ્થાના નિર્ણય ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 મંત્રાલયો (વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, કોમર્સ મંત્રાલય અને નાણા મંત્રાલય)ના જોઈન્ટ સેક્રેટરીને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના પર અપડેટ કે જાણકારી આપવાના નિર્દેશ આપ્યા છે.