ન્યુયોર્ક: નોબેલ વિજેતા અમર્ત્ય સેન, કૈલાસ સત્યાર્થિ અને અર્થશાસ્ત્રી કૌશિક બાસુ સહિત 225થી વધુ વૈશ્વિક હસ્તીઓએ કોરોના સંકટ સામે લડવા 2500 અબજ ડોલરના પેકેજની માંગ કરી છે. વૈશ્વિક સ્વાસ્થ્ય અને આર્થિક સુધારણાની યોજના પર સહમતિ માટે સંયુક્ત રીતે G-20 દેશોની બેઠક બોલાવવાની માંગ કરી છે.
આ તમામ હસ્તીઓએ એક પત્રમાં જણાવ્યું છે કે, કોવિડ-19ના પગલે સર્જાયેલા સ્વાસ્થ્ય અને આર્થિક સંકટનો હલ કરવા માટે G-20 સમિટ તાત્કાલિક બોલાવવામાં આવે. મહત્વનું છે કે, G-20 દેશોએ 26 માર્ચે એક કોરોના આર્થિક મંદી સામે લડવા માટે 5000 અબજ ડોલરના રાહત પેકેજનું વચન આપ્યું હતું.
કોરોના વાઇરસના રોગચાળાને વિશ્વભરમાં 3.75 લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને નષ્ટ કરી છે, જ્યારે લાખો લોકો બેરોજગાર બની ગયા છે. આ હસ્તીઓમાં યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન અને ટોની બ્લેર, યુએનના ભૂતપૂર્વ સેક્રેટરી-જનરલ બાન કી મૂન અને યુએન જનરલ એસેમ્બલીના ભૂતપૂર્વ પ્રમુખ મારિયા ફર્નાન્ડ એસ્પિનોસા, શ્રીલંકા સહિત અન્ય અગ્રણી વૈશ્વિક વ્યક્તિઓ સાથે અમર્ત્ય સેન, કૈલાસ સત્યાર્થિ અને કૌશિક બાસુ દ્વારા આ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ સિવાય શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમારતુંગા અને નવી દિલ્હીના નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, સુમન બેરીના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ સામેલ છે.