- JioPhone Next બાદ મુકેશ અંબાણીએ કરી 5G સર્વિસની જાહેરાત
- શરૂઆતી પરીક્ષણોમાં 5Gની ટોચની સ્પીડ 16 GBPS નોંધવામાં આવી
- આ સ્પીડથી ફિલ્મ એક સેકન્ડ કે તેથી ઓછા સમયમાં થશે ડાઉનલોડ
ન્યૂઝ ડેસ્ક : આજે ગુરૂવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (Reliance AGM 2021)માં મુકેશ અંબાણીએ ગૂગલ અને રિલાયન્સ જિઓની પાર્ટનરશિપથી તૈયાર કરાયેલા નવા સ્માર્ટફોન જિઓફોન નેક્સ્ટ (JioPhone Next)ની જાહેરાત કરી હતી. સામાન્ય માણસોના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા સ્માર્ટફોન બાદ તેમણે 5G સર્વિસની જાહેરાત પણ કરી હતી. 5G સર્વિસ માટે કંપની દ્વારા કરાયેલા પરિક્ષણોમાં જિઓની ટોચની સ્પીડ 16GB પર સેકન્ડ હતી. આ સ્પીડથી કોઈપણ ફિલ્મ એક સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકે છે.
દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક - મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, "દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક છે. આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિઓ અને ગૂગલ દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. એન્ડ્રોઈડ બેઝ્ડ આ સ્માર્ટફોન ખૂબ જ વ્યાજબી ભાવે સામાન્ય લોકોના બજેટને અનુલક્ષીને તૈયાર કરાયો છે. એન્ડ્રોઈડ અને ગૂગલના કારણે ઉપયોગકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમામ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. સ્માર્ટફોનની કેમેરા ક્વોલિટી અને એન્ડ્રોઈડ વર્ઝન પણ અપડેટેડ હશે." જોકે, જિઓફોન નેક્સ્ટ (JioPhone Next)ની કિંમત અંગે તેમણે કંઈ જણાવ્યું ન હતું.
જો અમારા દાદા અત્યારે હોત, તો તે ખુબ ખુશ થયા હોત - મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ પોતાની સ્પીચની શરૂઆત કોરોનામાં મૃત્યુ પામેલા કંપનીના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. જ્યારબાદ તેમણે કહ્યું હતું કે, "કોરોના મહામારી વચ્ચે પણ આપણો કારબોર અગાઉના વર્ષો કરતા વધ્યો છે. જોકે આ કરતા વધારે ખુશી રિલાયન્સની માનવ સેવાથી મળી છે. કોરોનાના કપરા સમયમાં રિલાયન્સ પરિવારે એકજૂટ થઈને કામ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં આપણા પ્રયાસોએ રિલાયન્સના સંસ્થાપક ધીરૂભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જો આજે અમારા દાદા સાથે હોત, તો તેઓ ગર્વ મહેસૂસ કરતા. કારણ કે, આ એ જ રિલાયન્સ છે, જે તેઓ જોવા માંગતા હતા." મુકેશ અંબાણીએ આ સાથે રિલાયન્સ દ્વારા નવી મુંબઈમાં સ્થાપિત જિઓ ઈન્સ્ટીટ્યૂટમાં આ વર્ષથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી.
રિલાયન્સ પરિવારના 20 લાખ લોકોને ફ્રી વેક્સિન - નીતા અંબાણી
કોરોના એ વૈશ્વિક મહામારી છે. તેણે વિશ્વભરમાં માનવતાની કસોટી પારખી છે. આ લડાઈમાં આપણે સાથે મળીને લડવાનું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) નું મિશન વેક્સિન સુરક્ષા દેશની સૌથી મોટી કોર્પોરેટ વેક્સિનેશન ડ્રાઈવ છે. જેના અંતર્ગત રિલાયન્સ પરિવારના રિટાયર્ડ કર્મચારીઓ, પાર્ટનર કંપનીના કર્મચારીઓ અને તમામના પરિવારજનોને મળીને કુલ 20 લાખ લોકોને ફ્રી વેક્સિન આપવામાં આવશે.