પટણાઃ યુટયૂબર મનીષ કશ્યપ શનિવાર સવારે બેઉર જેલમાંથી 9 મહિનાની કેદ બાદ બહાર આવ્યો છે. પટના હાઈ કોર્ટે આ યુટ્યૂબરને બે મામલામાં જામીન આપ્યા છે. જ્યારે અન્ય એક મામલામાં મનીષ કશ્યપને પહેલા જ જામીન મળી ચૂક્યા છે. મનીષ જેલમાંથી બહાર આવે તે પહેલા વહેલી સવારથી તેના સમર્થકો જેલની બહાર એકઠા થઈ ગયા હતા.
બિહારના મનીષ કશ્યપ એક યુટયૂબર છે તેના પર કુલ 13 કેસ થયેલા છે. જેમાં બિહારમાં 7 અને તમિલનાડુમાં 6 કેસ છે. તમિલનાડુમાં બિહારના લોકો પર હિંસા થઈ રહી છે તેવો નકલી વીડિયો મનીષ કશ્યપે યુટ્યૂબ પર અપલોડ કર્યાનો આરોપ છે. ત્યારબાદ તમિલનાડુ પોલીસે વીડિયોને નકલી જાહેર કર્યો હતો. તમિલનાડુ પોલીસે આ મામલે એક એફઆરઆઈ પણ નોંધી છે.
જ્યારે યુટયૂબર મનીષ કશ્યપ પર તમિલનાડુમાં ગાળિયો કસાયો ત્યારે તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મનીષે કોર્ટમાં એનએસએ દૂર કરવાની માંગ કરી હતી. જેનો તમિલનાડુ પોલીસે ઈનકાર કર્યો હતો. જો કે ત્યારબાદ તેને રાહત મળી હતી. જ્યારે બિહારમાં મનીષ પર 7 કેસ થયેલા છે. જેમાં ભાજપ ધારાસભ્ય અને બેન્ક મેનેજર સાથે મારપીટનો પણ કેસ સામેલ છે. આ કેસ બાદ મનીષ કશ્યપે બેતિયા કોર્ટમાં 18 માર્ચ 2023ના રોજ સરેન્ડર કર્યુ હતું. ત્યારબાદ મનીષ કશ્યપની મુશ્કેલીઓ વધતી ગઈ.
મનીષ કશ્યપને તમિલનાડુની પોલીસ અટકાયત કરીને પોતાની સાથે લઈ ગઈ હતી. અનેક મહિના જેલમાં રહ્યા બાદ તેને આ વર્ષે બિહાર લાવીને બેતિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પટના હાઈ કોર્ટે રાહત આપતા તેણે પટનાના બેઉર જલમાં રાખવાનો હુકમ કર્યો હતો. આ સમય દરમિયાન અનેક કેસમાં વારંવાર સુનાવણી થતી રહી. બીજી તરફ તમિલનાડુમાં નોંધાયેલા મામલામાં વીડિયો કોન્ફરન્સથી તેને હાજર કરવામાં આવ્યો હતો. મનીષ કશ્યપે આ દરમિયાન અનેક નિવેદન આપ્યા હતા.