નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની ફરિયાદ કરનાર સગીર મહિલા કુસ્તીબાજએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. રવિવારે સોશિયલ મીડિયામાં આ બાબતે ચર્ચા જાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સગીરે બે દિવસ પહેલા પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. જો કે દિલ્હી પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી.
POCSO હેઠળ નોંધાવી હતી FIR: નોંધપાત્ર વાત એ છે કે પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે ફરિયાદ કરનાર યુવતી પુખ્ત છે. આ પછી એવી આશંકા હતી કે તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, તેથી તેણે તેની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. જોકે ફરિયાદ પાછી ખેંચતા પહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. સગીર મહિલા કુસ્તીબાજની ફરિયાદ પર બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ POCSO હેઠળ FIR નોંધવામાં આવી હતી.
બ્રિજ ભૂષણ સામે જાતીય સતામણીની FIR: જ્યારે અન્ય છ મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર બ્રિજ ભૂષણ સામે જાતીય સતામણીની અલગ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિજભૂષણ શરણ સિંહ પર આરોપો લગાવનાર મહિલા કુસ્તીબાજોએ જંતર-મંતર પર લગભગ 35 દિવસ સુધી ધરણા કર્યા હતા. પરંતુ 28 મેના રોજ થયેલા હંગામા બાદ તમામને જંતર-મંતર પરથી હટાવી દેવામાં આવ્યા હતા. મહિલા કુસ્તીબાજો સહિત ઘણા કુસ્તીબાજો હજુ પણ બ્રિજભૂષણ શરણની ધરપકડની માંગ પર અડગ છે.
આંદોલન યથાવત: સાક્ષી મલિકે કુસ્તીબાજોના આંદોલનમાંથી ખસી જવાની જાહેરાતને ખોટી ગણાવી છે અને મીડિયામાં ચાલી રહેલા સમાચારોને નકારી કાઢ્યા છે. સાક્ષી મલિકે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. સાક્ષી મલિક રેલવેની નોકરીમાં જોડાઈ ગઈ છે. પરંતુ આંદોલન ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું છે.